15.51 ટકા ઓનમાં પરફેક્ટ ઇન્ફ્રાકોર્પ પ્રાઇવેટ લિમિટેડને કામ અપાયું : નાણાં વિભાગની મંજૂરી બાદ કામગીરી શરૂ થશે મોરબી : હળવદ - મોરબી વચ્ચે અંદાજે 47 કિલોમીટરનો હાઇવે હાલમાં પ્રજાજનો માટે માથાના દુખાવા રૂપ બન્યો છે ત્યારે આગામી નવરાત્રી પૂર્વે જ આ માર્ગને ચારમાર્ગીય બનાવવા માટેના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવે તેવા અણસારો મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હળવદ - મોરબી ફોરલેન પ્રોજેક્ટ માટે 170 લાખનો ખર્ચ અંદાજી ટેન્ડર પ્રક્રિયા કરતા પરફેક્ટ ઇન્ફ્રાકોર્પ પ્રાઇવેટ લિમિટેડને 15.51 ટકા ઓન સાથે આ પ્રોજેક્ટ સોંપવા નક્કી થયું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. માત્ર 47 કિલોમીટરનું અંતર કાપતા સામાન્ય રીતે પોણો કલાકથી કલાકનો સમયગાળો કાફી છે... પરંતુ સીરામિક હબ મોરબીથી હળવદ વચ્ચેનું આ અંતર કાપતા હાલમાં બે કલાક જેટલો સમય એસટીની વોલ્વો બસ લે છે... આ સંજોગોમાં તૂટેલા-ફૂટેલા આ માર્ગ ઉપર પસાર થતા બાઈક ચાલકો કે ફોરવીલ ચાલકોની શું હાલત થતી હોય તે સમજી શકાય તેમ છે. જો કે મોરબી અને હળવદના લોકોની આ પીડા આગામી દોઢ વર્ષમાં દૂર થઇ જશે. ગુજરાત સરકાર દ્વારા મોરબી -હળવદ રોડને ફોરલેન બનાવવા માટે પ્રોજેક્ટને લીલીઝંડી આપી ટેન્ડર પણ મંજુર કર્યું છે. માર્ગ અને મકાન વિભાગ મોરબીના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ મોરબી-હળવદ ફોરલેન પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે સરકાર દ્વારા અંદાજવામાં આવેલા 170 લાખના ખર્ચ સામે પરફેક્ટ ઇન્ફ્રાકોર્પ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 15.51 ટકા ઓન લેખે ઓફર આપતા અન્ય પાર્ટીઓની તુલનાએ લોએસ્ટ ટેન્ડરને મંજૂરીની મહોર મારવામાં આવી છે. વધુમાં મોરબી - હળવદ ફોરલેન પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ જતા હાલમાં સરકારના નાણાં વિભાગમાં આખરી તબક્કામાં કાર્યવાહી ચાલી રહી છે અને આગામી નવરાત્રી સુધીમાં ફોરલેન પ્રોજેક્ટની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.