મોરબી : મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાના તળાવ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની ધરપકડ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે બીજી તરફ ધારાસભ્ય સાબરીયા અને તેમના નિકટતમ સાથી એવા વકિલ ભરત ગણેશીયાની પોલીસે જે ઓડિયો કલીપ અને કથિત લાંચના ચેક મામલે ધરપકડ કરી છે તેમાં સામાપક્ષે વાતચીત કરનાર રજલો ઉર્ફે રજની પટેલ નામની વ્યક્તિ હોવાનું અને હળવદ તાલુકાના અજીતગઢ ગામના સરપંચનો નજીકનો સગો થતો હોવાનું બહાર આવ્યું છે. મોરબી જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા તળાવ કૌભાંડમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાની ધરપકડ બાદ રાતો રાત આ મુદ્દો નેશનલ લેવલે હોટ ટોપિક બન્યો છે અને ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા સાથે તળાવ કૌભાંડ મામલે ઈજનેર કાનાણી દ્વારા કુલ 35 લાખ રૂપિયાની લાંચની લેતીદેતી પ્રકરણમાં વચેટિયા દ્વારા પરસોતમભાઇ સાથે અલગ અલગ ત્રણ વખત વાત કરવામાં આવે છે જે અંગેનો ઓડિયો વાઇરલ થયો છે.પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે લાંચ આપવી અને લાંચ લેવી બન્ને ગુન્હો બનતા હોવા છતાં આ કેસમાં પોલીસ દ્વારા હજુ સુધી ધારાસભ્યના ખાસ અંગત ગણાતા ભરત ગણેશીયાને લાંચ મોકલી હોવાનું ખુલ્લેઆમ જણાવનાર વ્યક્તિને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. દરમિયાન ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્ય સાથે વાતચીત કરનાર વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ હળવદ તાલુકાના અજીતગઢ ગામના સરપંચના નજીકના સગા અને રજની પટેલ ઉર્ફે રજલો નામધારી વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે વામન કદમાં વિરાટ વ્યક્તિત્વ ધરાવતા આ વ્યક્તિ ભલભલાને સાણસામાં લેવાનું કૌવત ધરાવે છે અને હળવદના મોટાગજાના રાજકારણીના ઈશારે ગમે તેની કુકરી ગાંડી કરવામાં પાવરધા છે. તાજેતરમાં જ હળવદ તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સદસ્યો બાગી બનતા આ રજનીકાંત દ્વારા બન્ને સભ્યોને સહેલગાહે લઈ જઈ જલ્સા પાર્ટીના વિડીયો મોબાઈલમાં કેદ કરી બાદમાં વાયરલ કર્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. અને આ મહાશય અગાઉ કોંગ્રેસ પાસ અને છેલ્લે સતાધારી પક્ષ સાથે ધરોબો કેળવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે વિશ્વાસે વહાણ ડૂબે ઉક્તિ મુજબ હળવદના ધારાસભ્યને પણ અતિ વિશ્વાસ ભારે પડી ગયો છે અને નજીકના સગા હોવા છતાં રાજકારણમાં કોઈ સગું નહીં ઉક્તિ મુજબ વિશ્વાસુએ જ પોલીસ સ્ટેશનના પગથિયાં બતાવ્યા છે ત્યારે આ ચકચારી પ્રકરણમાં ધારાસભ્ય સાથે વાત કરી લાંચ પુરી પાડવામાં મિડલમેનની ભૂમિકા ભજવનારને પોલીસ ક્યારે તેડું મોકલે છે તે જોવું રહ્યું.