હળવદથી 1200થી 1500 જેટલાં બાઈક, ગાડીઓ અને ટ્રેક્ટરો સાથેની મહારેલી જેતપર પહોંચશેમોરબી : વીજ લાઈનના વળતરને લઈને જેતપર ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને ઉપવાસ છાવણી નાખીને બેઠા છે. ખેડૂતોની આ લડતને હવે ગામેગામથી સમર્થન મળી રહ્યું છે, જેમાં હળવદના 22 ગામના સરપંચો પણ ખેડૂતોની સાથે જોડાયા છે. આ આંદોલનને વેગ આપવા માટે હવે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને વેપારી મહામંડળ પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લીને સામે આવ્યા છે.ખેડૂતોના સમર્થનમાં 1 જુલાઈએ યાર્ડ બંધ રાખવાનો નિર્ણયજેતપર ખાતે ચાલી રહેલા આંદોલનના 13મા દિવસે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખેડૂતોના દીકરા તરીકે વેપારીઓ તેમની પડખે ઊભા રહેશે અને 1 જુલાઈ 2026ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ સદંતર બંધ રાખવામાં આવશે. વેપારી મહામંડળે પણ આ નિર્ણયને સંપૂર્ણ ટેકો આપ્યો છે અને જણાવ્યું છે કે જો ભવિષ્યમાં જરૂર પડશે તો તેઓ ખેડૂતોની રણનીતિ મુજબ આગળ પણ સાથ આપશે.સાંજે 4 વાગ્યે 1200થી 1500 વાહનો સાથે નીકળશે મહારેલી1 જુલાઈ 2026ના રોજ સાંજે 4 વાગ્યે હળવદ APMC (માર્કેટિંગ યાર્ડ) ખાતેથી એક વિશાળ મહારેલીનું પ્રસ્થાન થશે. આ રેલીમાં વિવિધ ગામના ખેડૂતો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે. અંદાજે 1200થી 1500 જેટલાં બાઈક, ગાડીઓ અને ટ્રેક્ટરો સાથે આ મહારેલી જેતપર આંદોલન સ્થળે પહોંચશે. રેલી સાંજે 6થી 7 વાગ્યા સુધીમાં જેતપર પહોંચશે, જ્યાં રાત્રે 11 વાગ્યા સુધી તમામ ખેડૂતો અને વેપારીઓ છાવણી પર બેસીને રામધૂન તેમજ અન્ય કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શિત કરશે.સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગઆંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, ખેડૂતો છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેઠા છે. સરકાર સાથે અગાઉ વાતચીત થઈ હતી પરંતુ તેમાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર પહેલા તેમની ન્યાયિક માંગણીઓનો સ્વીકાર કરે. જો સરકાર ખેડૂતોની માંગ જલ્દી નહીં સંતોષે, તો આગામી સમયમાં આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે.#MorbiUpdate #HalvadNews #MorbiNews #FarmersProtest #APMCNews #HalvadBreaking #GujaratNews