હળવદ તાલુકામાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા મંજુર થયેલા કામો માત્ર કાગળ ઉપર હળવદ : પંચાયત સિંચાઈ વિભાગના જળસંચયના કામોમાં મંડળીઓ દ્વારા માત્રને માત્ર કાગળ ઉપર કામો કરી ૫.૮૩ કરોડ રૂપિયાનો ધનસંચય કરી લીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયા બાદ જાગૃત આગેવાને ફરિયાદ કરતા હાલમાં રાજકીય આગેવાનોના કૌભાંડો ખુલે તેવી દહેશત વચ્ચે કેટલાય કૌભાંડીના પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જળસંચયના નામે ધનસંચય કૌભાંડની વિગતો જોઈએ તો હળવદ તાલુકાના પ૧ ગામોમાં પંચાયત હેઠળની નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર કહેવા પુરતું જ કામ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ખુલ્લુ પડયું છે. તો સાથો સાથ મોટા ભાગના રૂપિયા જે તે કામ કરતા કોન્ટ્રાકટરને ચુકવી દેવામાં આવ્યા છે જયારે ભ્રષ્ટાચાર થયાનું સામે આવતા બાકીના રૂપિયા અટકાવી દેવામાં આવ્યા છે. જયારે આ અંગે તાલુકામાં સિંચાઈ યોજના અંતર્ગત ફાળવેલ રૂપિયામાં મોટા પાયે ગેરરીતિ આચર્યો હોવાની હળવદના જાગૃત નાગરીક દ્વારા લેખિત રજુઆત કરતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હળવદમાં પંચાયત હેઠળની સિંચાઈ યોજના અંતર્ગત ફાળવેલા રૂ.પ.૮૩ કરોડની રકમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યું હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોરબી જિલ્લા સહિત હળવદના તાલુકાના સુંદરીભવાની, સમલી, સુરવદર, માથક, રણછોડગઢ, માનગઢ, જાગડ, વેગડવાવ, સરંભડા, ગોલાસણ, નવા માલણિયાદ, કડીયાણા, રાણેકપર, રાઈધ્રા, મંગળપુર સહિતના પ૧ ગામોના તળાવને સાફ-સફાઈ, રિપેરીંગ કામ સહિતના કામો માટે રૂ.પ.૮૩ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે તે મંડળી દ્વારા આ કામ કોન્ટ્રાકટરોને દેવામાં આવ્યા હતા પરંતુ આ કામ માત્ર કાગળ પર પુરૂં કરી મોટા પાયે ગેરરીતી આચરી હોવાની હળવદના સુંદરગઢ ગામના ડો.ચતુરભાઈ ચરમારીએ મંત્રી પરબત પટેલ, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, જિલ્લા કાર્યપાલક ઈજનેર, હળવદ મામલતદાર તેમજ હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જયારે તાલુકાના ગામોના તળાવ કાંઠે માત્ર કહેવા પુરતુ કામ બતાવી મોટા ભાગના નાણા મેળવી લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકરણમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવતા બાકી રહેતી રકમ કોન્ટ્રાકટરોની અટકાવવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જયારે આ બાબતે જિલ્લા કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, હાલ કામમાં ગેરરીતી આચરી હોવાની રજુઆતો અમારી પાસે આવી છે જે રજુઆતો વડી કચેરીને મોકલી દેવાઈ છે. તેમજ જે તે કામ કરતા કોન્ટ્રાકટરોના હાલ બીલ અટકાવી દેવામાં આવ્યા છે અને યોગ્ય તપાસ કરાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.