હળવદના કોયબા ગામના પાટિયા નજીક બન્યો બનાવ : 3.39લાખનો મુદ્દામાલ કબજે કરાયો હળવદ : આજે મોડી સાંજે હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા નજીક ચેકપોસ્ટ પાસે ધાંગધ્રા તરફથી આવતા કાર ચાલકે વૃધ્ધને હડફેટે લેતા પોલીસ દ્વારા કાર અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો કાર લઈ ભાગ્યા હતા જો કે, પોલીસે પીછો કરતા આ શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટયા હતા. જેથી પોલીસ દ્વારા તપાસ કરાતા કારમાંથી 132 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલ હળવદ પોલીસે ત્રણ અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ-માળીયા હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા પાસેની ચેકપોસ્ટ નજીક ધાંગધ્રા તરફથી આવતી સ્વીફ્ટ કાર નંબર એમ.એચ,૨૫.આર.૦૪૭૪ના ચાલકે એક વૃધ્ધને હડફેટે લેતા પોલીસ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો મળી કુલ ત્રણેય શખ્સો હળવદ તરફ કાર લઈ ભાગ્યા હતા. જેથી હળવદ સર્વેલન્સ સ્કવોડના દેવેન્દ્રસિંહ ઝાલા,યોગેશદાન ગઢવી,સહિતના પોલીસ જવાનોએ કારનો પીછો કરતા કારમાં બેઠેલા શખ્સો હળવદ જીઆઇડીસી નજીક કાર રેઢી મુકી નાસી છૂટયા હતા. બાદમાં પોલીસ દ્વારા કારની અંદર તપાસ કરાતા 132 બોટલ દારૂ કિંમત રૂ. 39,600 તેમજ ત્રણ લાખની કાર મળી કુલ રૂપિયા 3.39.600નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે લઇ આવી કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સો મળી કુલ ત્રણેય વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.