જુની અદાવતનું મનદુઃખ રાખી હુમલો : ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામે જૂની અડાવતનો ખાર રાખી કોળી શખ્સે છરી વડે હુમલો કરી યુવાનને ગંભીર ઇજા પહોંચાડતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કજીયો વધુ ન વકરે તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા પીન્ટુ ઉર્ફે દેવેન્દ્ર સબળસિંહ પરમારને અગાઉની બાબતનું મનદુઃખ રાખી ગોપાલભાઈ કોળી તથા તેમના ભાઈએ લાકડી, છરી અને ધોકા વડે માર મારતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે મોરબી ખસેડાવામાં આવ્યા હતા. વધુમાં પિન્ટુ અને તેનો મિત્ર ગઈકાલે નવ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર લઈ ગામની સીમમાં ખાતર ભરવા જઈ રહ્યા હતાં તે દરમિયાન ગોપાલભાઈ કોળી અને તેનો ભાઈ છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતા ઈજાગ્રસ્ત પીન્ટુ ઉર્ફે દેવેન્દ્રસિંહ પરમારને મોરબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો અને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવના પગલે હળવદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પીએસઆઇ ચન્દ્રકાન્ત શુકલએ વધું તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.