પાંચ માસ અગાઉ યાર્ડના ૭૦થી વધુ વેપારીઓ સાથે ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરી હતી હળવદ : હળવદ - ધ્રાંગધ્રા રોડ પર આવેલ માર્કેટ યાર્ડના ૭૦થી વધુ વેપારીઓ પાસેથી ખેતીની જણસ લઈ ચાર શખ્સોએ રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજે હળવદ પોલીસે છેતરપીંડી આચરનાર મુખ્ય આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુંર કર્યા હતા. ઝાલાવાડ તેમજ મચ્છોકાંઠામાં પ્રથમ હરોળના ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં તા.૧/૩થી તા.રપ/૩/ર૦૧૮ દરમિયાન ચાર શખ્સો દ્વારા યાર્ડના ૭૦થી વધુ વેપારીઓ પાસેથી જીરૂ, ચણા, ધાણા, એરંડા સહિત ખેતીની જણસો લઈ રૂપિયા ન ચુકવી રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગેની હળવદ પોલીસ મથકે અશોક ગાંડાલાલ બાપોદરિયા, નવીનચંદ્ર રાયચંદ્ર ઠક્કર, ધ્રુવકુમાર રાયચંદ્ર ઠક્કર, રાજુભાઈ સહિતના ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અશોકભાઈ ગાંડાલાલ બાપોદરિયા (ઉ.વ.૩૮) (રહે.આલાપ સોસાયટી, હળવદ)ને પી.આઈ. એમ.આર. સોલંકી, વિજયભાઈ છાસિયા, વિક્રમભાઈ સિહોરાએ ઝડપી પાડી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, ઉપરોકત ચારેય શખ્સો દ્વારા યાર્ડના ૭૦થી વધુ વેપારીઓ સાથે છેતરપીંડી આચરતા વેપારીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો. જેના પગલે માર્કેટ યાર્ડ પણ બંધ રહ્યું હતું. સાથે જ યાર્ડના વેપારીઓ સાથે થયેલ છેતરપીંડી મામલે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય જેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.