રોકડ પુરસ્કાર અને ભાડુ હજુ સુધી ન મળતા આગામી ખેલ મહાકુંભને લઈ ખેલાડીઓ નિરસહળવદ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાનોની રમત-ગમતની પ્રતિભા બહાર લાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ખેલ મહાકુંભ 3.0ની જાહેરાત કરવામાં આવી છે અને ખેલાડીઓનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની વચ્ચે હળવદના હરપાલસિંહ પઢીયારે ખેલ મહાકુંભને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. હરપાલસિંહ પઢીયારના જણાવ્યા પ્રમાણે ગત વર્ષના ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને તેમના આવવા-જવાના ભાડાના રૂપિયા હજુ સુધી ચુકવવામાં આવ્યા નથી ત્યાં બીજા ખેલ મહાકુંભની જાહેરાત કરી દેવામાં આવી છે.હરપાલસિંહ પઢીયારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ એક મજાક બનીને રહી ગયો છે. ગયા વર્ષના ખેલાડીઓના રોકડ પુરસ્કાર અને આવવા-જવાનું ભાડું ચુકવવામાં આવ્યું નથી. જો સરકારે દ્વારા રોકડ પુરસ્કાર અને ભાડા સરકારે ચુકવી દીધા હોય તો બાળકોને હજું સુધી કેમ મળ્યા નથી ? આ અંગે ઘણા બધા બાળકો ફરિયાદ કરી રહ્યા છે. તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાએ બેસ્ટ શાળા કઈ થઈ છે પણ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. પુરસ્કાર અને રૂપિયા ન મળ્યા હોવાથી આ વર્ષે બાળકો રજિસ્ટ્રેશન કરાવવાની પણ ના પાડી રહ્યા છે. જો પાંચ દિવસમાં બાળકોને પુરસ્કાર અને ભાડાના રૂપિયા નહીં મળે તો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા જવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.