સુરેન્દ્રનગરથી શામળાજી, કેસરીયાજી, શેઠ સાવરીયાજી, અયોધ્યા, છપૈયા અને કાશી સુધીની પદયાત્રા કરી હળવદ: હળવદના ચાર શ્રદ્ધાળુ સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ૨૫ શ્રદ્ધાળુઓ રતનપરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરેથી કાશી સુધીની પદયાત્રા કરી પરત ફર્યા છે. ત્યારે આ પદયાત્રીઓ આજે હળવદ આવી પહોંચતા તેઓનું સંન્માન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં પદયાત્રાનો અનેરો મહિમા જોવા મળતો હોય છે. શ્રદ્ધાળુઓને ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધાને લઇ હજારો કિ.મી સુધીની પદયાત્રા કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી હળવદ તાલુકાના ચાર પદયાત્રીઓ સહીત ૨૫ લોકોએ છપૈયા અને કાશી સુધીની ૪૨ દિવસમાં ૧૮૦૦ કિ.મી. જેટલી સફળ પદયાત્રા કરી પરત ફર્યા છે. હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા ગોવિંદભાઈ દોરાલા, રાજુભાઈ કોળી, હળવદ શહેરમાં રહેતા કાંતિભાઈ કવૈયા અને નારસંભાઈ ડોડીયા સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી દર વર્ષે નીકળતા પદયાત્રા સંઘમાં જોડાઈ છપૈયા અને ત્યાંથી કાશી સુધીની ૪૨ દિવસ સુધી ચાલીને ૧૮૦૦ કિ.મીની પદયાત્રા કરી આજે હળવદ પરત ફર્યા હતા. ત્યારે પદયાત્રીઓને હળવદ-ધાંગધ્રા રોડ પર આવેલ ગોપાલ ધામ મંદિર ખાતે ગોપાલ ધામ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગોરી દરવાજા ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી પદયાત્રીઓના સામૈયા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાણેપર ગામે રહેતા ગોવિંદભાઇ દોરાલા વર્ષ ૨૦૦૭માં પણ હળવદથી ગોકુળ-મથુરા સુધીની સફળ પદયાત્રા કરી ચુક્યા છે.