૩૭ ગ્રામપંચાયતો દ્વારા ધારાસભ્ય પરસોતમ સાબરિયાને કરાઈ રજુઆત હળવદ : મોરબી, માળીયા, હળવદ પહોંચતી નર્મદા કેનાલને મેઇન્ટનન્સ માટે પાછલા મહિને બંધ કરવામાં આવી હતી. એ દરમ્યાન લોકડાઉનની અમલવારી થતા મેઇન્ટનન્સનું કામ પણ સરકારી ગાઈડલાઇન્સ મુજબ રોકી દેવામાં આવ્યું હતું. જો કે હાલ મેઇન્ટનન્સનું કામ ચાલુ ન હોય આ કેનાલમાં પાણી છોડવા માટે સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ ટિકર ખાતે એકઠા થઇ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને રજુઆત કરી હતી. ગત ચોમાસે થયેલી અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને લઈને પશુઓ માટેના ઘાસચારાનું પૂરતા પ્રમાણમાં વાવેતર હળવદ વિસ્તારમાં શક્ય બન્યું ન હતું. ત્યારે એક માત્ર નર્મદા કેનાલના સહારે જ ખેડૂતો અને પશુપાલકોએ ઘાસચારાનું ખપ પૂરતું વાવેતર કર્યું હતું. જો કે મોરબી-માળીયા-હળવદની નર્મદા કેનાલને મેઇન્ટનન્સ કરવા 15 દિવસ માટે બંધ કરવામાં આવતા પશુપાલકો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમ્યાન લોકડાઉન લાગુ થતા કેનાલની કામગીરી પણ અટકી પડી હતી. જે હાલ પણ સ્થગિત જ છે. આથી સ્થાનિક ખેડૂત આગેવાનો તથા 37 ગ્રામપંચાયતોએ લેટરપેડ પર ધારાસભ્ય સાબરિયાને કેનાલમાં દસ-પંદર દિવસ પાણી છોડવા માટે ટિકર ખાતે રજુઆત કરી હતી. સ્થાનીય અગ્રણીઓ અને ગ્રામપંચાયતોની માંગણી અનુસાર હાલ કેનાલ મરમ્મતનું કાર્ય સ્થગિત થયું હોય જો માત્ર દસ-પંદર દિવસ કેનાલમાં પાણી છોડવામાં આવે તો પશુધન માટેના ઘાસચારાને જીવતદાન મળી જાય. આ ઉપરાંત લોકડાઉનને લઈને ઘણા પરપ્રાંતીય મજૂરો અહીં અટવાઈ પડ્યા હોય તેઓનો પાણી પ્રશ્ન પણ વિકટ બન્યો છે. રણકાંઠાનો વિસ્તાર હોય આસપાસના ખારા પાણીનો આ લોકો ઉપયોગ કરી શકતા નથી. આ પાણીથી ઘાસચારો પણ નિપજતો ન હોય જો માત્ર દસ-પંદર દિવસ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો લોકડાઉનનો કપરો સમય પસાર થઈ જાય એવી રજૂઆતના જવાબમાં ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આ પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી.