આગામી ૧૫ દિવસમાં કેસો પાછા નહીં ખેંચાય તો રાજ્યભરમાં રચનાત્મક કાર્યક્રમો યોજાશે : નિલેષ એરવાડીયા હળવદ : વર્ષ ૨૦૧૫માં અનામતની માંગને લઇને પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં અસંખ્ય પાટીદાર સમાજના યુવાનો પર પોલીસ કેસ નોંધાયા હતા. બાદમાં રાજ્ય સરકાર દ્વારા તમામ કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે માત્ર નાના કેસો જ પાછા ખેંચાયા હોવાના આક્ષેપ સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દિવસ ૧૫માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં રચનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે. પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગને લઈને ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં અસંખ્ય યુવાનો પર નાના-મોટા કેસ દાખલ થયા હતા. જો કે પાછળથી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ સરકાર દ્વારા કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે અનેકવાર પાસના આગેવાનો સરકાર પર આક્ષેપ કરતા હોય છે કે માત્ર નાના કેસો જ પાછા ખેંચવામાં આવ્યા છે. જેથી, આંદોલન દરમિયાન થયેલ તમામ કેસો પાછા ખેંચવાની માંગ સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પ્રતિભાવ ન મળતાં રજૂઆતના અંતે રાજ્યભરમાં આંદોલનના માર્ગે વધ્યું હતુ. દરમિયાન સરકાર દ્વારા આંદોલનને દબાવવા માટે થઇ અનેક નાના મોટા ગુનાઓ નોંધાયા હતા. જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના આંદોલનકારીઓ તથા અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પર કેસ દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આને લઈ રાજ્યભરમાં આંદોલનનો જુવાળ વધુ તેજ બન્યો હતો. આખરે પાટીદાર યુવાનોની માગ વ્યાજબી લાગતા રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં આવતા સવર્ણોને ૧૦% અનામતની જાહેરાત કરવી પડી હતી અને આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી. જો કે ઘટના દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી સરકારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો અને વાતચીત કરેલ, તે દરમિયાન સરકારમાંથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી અને ચૂંટણીઓ દરમિયાન નાના-મોટા અમુક ચોક્કસ કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસો પરત ખેંચવાના બાકી હોય તેના કારણે ઘણા નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. જેથી, કેસો આગામી ૧૫ દિવસમાં પાછા ખેંચવામાં નહીં આવે તો રાજ્યભરમાં રચનાત્મક કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તકે નિલેશભાઈ એરવાડિયા, મેહુલ પટેલ, પ્રજ્ઞા પટેલ, પ્રમોદ પટેલ, મિલન પટેલ, ચંદ્રેશ પટેલ, મનસુખ પટેલ, લાલો ગોપાણી સહિતના હાજર રહ્યા હતા.