હળવદ : હળવદ શહેરમાં બે વર્ષની બાળકી રમત-રમતમાં રેલવે ટ્રેક પર પહોંચી જતા એ જ સમયે ધસમસતી આવતી ટ્રેનના કોચ સાથે તેનું માથું અફળતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હળવદ શહેરના જોગણી માતાના મંદિર પાસે રહેતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યાસીનભાઈ ગફુરભાઈ કટીયાની બે વર્ષની પુત્રી મદીના બે દિવસ પહેલા રમતા રમતા રેલવે ટ્રેક નજીક પહોંચી ગઈ હતી. એ જ સમયે પસાર થતી ધસમસતી આવી રહેલી ટ્રેનના કોચ સાથે તેણીનું માથું અફળાતા માથા અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં બે દિવસની સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત થયું હતું. બાળકીના મોતથી કટીયા પરિવારમાં ભારે શોક છવાયો છે. હળવદ તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની વધુ કાર્યવાહી હેડ.કોન્સ. પી.જે. ચંદ્રાલા ચલાવી રહ્યા છે.