તાલુકાના ટીકર, મયાપુર, મિયાણી અને ઈંગોરાળાના ખેડૂતોને પાક વિમો ચુકવાયો તો અન્ય ગામોના ખેડૂતો કેમ નહીં ? હળવદ : હળવદ પંથકના ખેડૂતોને વર્ષ ર૦૧૭નો આજદિન સુધી પાક વીમો ન ચુકવાતા ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોને પાક વીમો વહેલી તકે ચુકવવામાં આવે જે બાબતની અગાઉ હળવદના ધારાસભ્ય દ્વારા ધારદાર રજુઆતો કરાઈ હતી. જેમાં પંથકના માત્ર ચાર જ ગામના ખેડૂતોને પાક વીમો ચુકવી સંતોષ મનાયો છે જયારે તાલુકાના અન્ય ગામોના ખેડૂતોને આજેય પણ પાક વીમાથી વંચિત રહેલ ખેડૂતો આગબબુલા બન્યા છે અને વહેલી તકે ખેડૂતોને પાક વીમો ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પંથકમાં આ વર્ષ દરમિયાન ચોમાસું પુરૂ થવાના આરે છે તેમ છતાં પણ યોગ્ય વરસાદ નહીં વરસતા ખેડૂતો માથે વાદળો ઘેરાયા છે. ત્યારે તાલુકાના નવા ઘાટીલા, માનગઢ, અજીતગઢ, કીડી, જાગડ, ખોડ, અમરાપર સહિતના ગામોના ખેડૂતોએ વર્ષ ર૦૧૭ દરમિયાન પાક વીમા માટે પ્રિમિયમ ભર્યું હોવા છતાં આજદીન સુધી પાક વીમો ચુકવવામાં નહીં આવતા ખેડૂતોની અવદશા થવા પામી છે. જયારે હળવદ - ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ ખેડૂતોને પાક વીમો ચુકવવા રજુઆતો કરી હતી અને ગઈકાલે તાલુકાના ટીકર, મયાપુર, ઈંગોરાળા, મિયાણી સહિત માત્ર ચાર જ ગામના ખેડૂતોને પાક વીમો ચુકવવામાં આવ્યો છે જયારે અન્ય ગામોના ખેડૂતોને વીમો ચુકવવામાં કેમ પછાત રખાયો છે તેવા સણસણતા સવાલો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ગુઠા દીઠ ૩પ રૂપિયા પ્રિમિયન ખેડૂતો દ્વારા ભરવામાં આવે છે તેમ છતાં પણ ખેડૂતોને પાક નિષ્ફળ જાય ત્યારે પાક વીમો ચુકવવામાં જવાબદાર તંત્ર કોની લાજ કાઢીને બેઠું છે જેવા અનેક સવાલો પંથકના ખેડૂતો કરી રહ્યા છે.