રેવન્યુ રેકોર્ડમાં વપરાશી હક્કની નોંધ ન પાડવાનું નક્કી થયા બાદ પણ 10 વર્ષ પછી કાચી નોંધ પાડી દેવાયહળવદ : હળવદના સુસવાવ ગામે ખેતીની જમીનમાંથી પાણીની પાઇપલાઈન કાઢવાના પ્રોજેક્ટમાં અન્યાય થયાની રાવ સાથે ખેડૂતોએ મામલતદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સુસવાવ ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા હળવદના કવાડિયાથી માળિયાના ખીરઇ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ પ્રોજેક્ટ લોકોના પીવાના પાણી માટે હોય આ વિભાગ સાથે ખેડૂતોએ તમામ સહકાર આપવાના વાયદા સાથે બેઠક યોજી હતી. જેમાં કોઈ વપરાશી હક્ક મેળવવાના નથી, કે વપરાશી હક્ક માટે કોઈ વળતર ચૂકવવાનું નથી. પાકનું વળતર ચૂકવી જમીનને સમથળ ખેતીલાયક બનાવી આપીશું. તેવું વિભાગ દ્વારા જણાવાયું હતું. ઉપરાંત વપરાશી હક્કની રેવન્યુ રેકોર્ડમાં કોઈ નોંધ પડાવીશું નહીં.તેવું પણ તેઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. 2013-14માં પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ 16 ઓક્ટોબર 2023માં રેવન્યુ રેકોર્ડમાં વપરાશી હક્ક અંગે કાચી નોંધ પાડી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વળતર પણ ઓછું આપવામાં આવ્યું હોય, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.