છોટાઉદેપુરની શ્રમિક મહિલા દર્દથી પીડાતી હળવદના બસ સ્ટેન્ડે ઉતર્યા બાદ સેવાભાવી યુવાનો અને પોલીસે પણ અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાવી માનવતા મહેકાવી હળવદ : હળવદ બસ સ્ટેન્ડમાં બે દિવસ પહેલા આવી પહોંચેલી છોટાઉદેપુર જિલ્લાની શ્રમિક મહિલા દર્દથી પીડાતી હોવાથી આ મહિલાને મદદરૂપ થવા હળવદના સેવાભાવી યુવાનો અને પોલીસ સ્ટાફ પણ આગળ આવ્યો હતો અને તાત્કાલિક તે મહિલાને હળવદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ સારવાર અપાવી મહિલાના પગનું સફળ ઓપરેશન કરાવ્યું હતું. આ મુઠી ઉંચેરી માનવતાને ઉજાગર કરતા કિસ્સામાં સેવા કરનાર તમામ યુવાનોને જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ શાલ ઓઢાડી સન્માનિત કરી યુવાનો તેમજ પોલીસ સ્ટાફની આજના જમાના પણ મદદરૂપ થવાની ભાવનાની સરહના કરી હતી. હળવદ શહેરમાં આવેલ બસ સ્ટેન્ડમાં એક મહિલાને કોઈ ઝેરી જાનવર કરડ્યું હોય અને મહિલાનો પગ અડધો સડી ગયો હોય જેના કારણે દુર્ગંધ પણ વધુ આવતી હોય સાથે જ આ મહિલા સાથે તેનો પતિ તેમજ બે બાળકો બસ સ્ટેન્ડમાં બેઠા છે તેવી માહિતી હળવદના સેવાભાવી યુવાનોને મળી હતી. જેથી હળવદના સેવાભાવી યુવાનો અતિ દુર્ગંધ આવતી હોવા છતાં પણ મહિલાને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવી હતી જોકે મહિલાનો પગ સડી ગયો હોય જેથી પગ કાપવો પડે તેવી સ્થિતિ હોય જેને લઇ મહિલાને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સિવિલના ડોક્ટરો દ્વારા મહિલાનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું આ દર્દથી કણસતી શ્રમિક મહિલાને જરૂરી સમયે સારવાર પૂરી પાડી મહિલાનો જીવ બચાવવા બદલ હળવદના સેવાભાવી યુવાનોનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ આજે હાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. જો કે આ મહિલાને સેવાભાવી યુવાનો ઉપરાંત પોલીસ સ્ટાફે પણ યથાયોગ્ય મદદ કરી હતી. આજના જમાનામાં સગાવહાલાના હાલચાલ પૂછવામાં પણ કોઈને બે ઘડીનો ટાઈમ નથી. ત્યારે જેને ઓળખતા પણ નથી અને તે મહિલાની હાલત જોઈને હૃદય દ્રવી ઉઠે અને એને મદદ કરવા માટે તમામ દિલથી પ્રયાસો કરાય તે જ સાચી માનવતા છે. આવી જ માનવતા હળવદના સેવાભાવી યુવાનોએ દીપાવી છે અને હજુ માનવતા મરી પરવારી નથી તેનું આ જીવંત ઉદાહરણ છે.