હળવદ : હળવદના જોગડ-કીડી રણ ભાગમાં રાત્રિના સમયે ભુલા પડેલા અગરિયાનું હળવદ વન વિભાગના કર્મચારીઓએ રેસ્ક્યૂ કરીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ હળવદના ભવાનીનગર ઢોરા ખાતે રહેતા અને જુના પરંપરાગત અગિરાયા રણછોડભાઈ વાઘજીભાઈ રાઠોડ રણ વિસ્તારમાં રાત્રિના સમયે અંધારાના કારણે ભુલા પડી ગયા હતા. તે દરમિયાન ઘુડખર અભયારણ્ય વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ડી.એફ. ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી રેન્જ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલો સ્ટાફ જોગડ-કીડી રણ ભાગમાં હતો. તે દરમિયાન રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ તેઓને કોઈ મદદ માટે અવાજ કરી રહ્યું હોવાનું જણાયું હતું. તેથી સ્ટાફ તે દિશામાં જતાં અગરિયા સમુદાયના કોઈ સભ્ય રણમાં મીઠા ઉત્પાદન માટે પાટા બનાવવા ગયેલા પરંતુ રાત્રે મોડું થતાં રસ્તો ભુલી જતાં ફસાઈ ગયા હતા. ત્યારે અભયારણ્યના સ્ટાફના લોકોએ રણછોડભાઈ રાઠોડને સલામત રીતે રણ વિસ્તારમાંથી બહાર કાઢી પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી આપી હતી અને પરિવારનો વહેલી સવારે સંપર્ક કરી તેઓને ઘરે સલામત રીતે પહોંચાડ્યા હતા. આ કામગીરીમાં વન્ય પ્રાણી રેન્જ હળવદના આરએફઓ કે.એમ. ત્રમટા, ઈન્ચાર્જ વનપાલ માલણીયાદ વાય.જે. ભૂત અને વનરક્ષક એન.એન.સામતીયા જોડાયા હતા. અગરિયા પરિવારે આ કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.