સુંદરગઢમાં પોલીસે નિર્દોષ લોકોને ઢીબી નાખતા ગ્રામજનોએ વળતો હુમલો કર્યાની ચર્ચા હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં અમુક પોલીસ કર્મીને ઇજા પોહચતા તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અને થતી ચર્ચા મુજબ દેશીના ધંધાર્થીઓને બદલે નિર્દોષ લોકો પર સિતમ વરસાવતા એકત્રિત થયેલા ગ્રામજનોએ પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી એક પોલીસમેનનો હાથ ભાંગી નાખતા ખળભળાટ મચી ગયો છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આજે પોલીસ દેશી દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે કેટલાક વાડી માલિકોએ પોતાની વાડીના ખાનગી રસ્તામાંથી પસાર થઈ રેડ કરવા નહિ જવા કહ્યું હતું, કારણ કે રેડ બાદ દેશીદારૂના ધંધાર્થીઓ આ રેડ વાડી માલિકોએ કરાવ્યાનું સમજી ઝઘડા કરતા હોય છે. જો કે પોલીસ રેડમાં દેશીના ધંધાર્થીઓ ભાગી ગયા હતા અને બાદમાં વાડી માલિકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે બળ પ્રયોગ કરતા આજુબાજુ વિસ્તારમાં વાયુ વેગે પોલીસના સિતમના સમાચાર ફેલાઈ ગયા હતા અને ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ કર્મીઓને ઇજા પોહચી હતી. ગ્રામજનોના આ હુમલામાં એક ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલનો હાથ ભાંગી ગયો હતો અને અન્ય એક લેડી પોલીસ સહિતના પોલીસકર્મીઓને ભાગવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગામના આગેવાનોએ પોલીસની રેડની કામગીરીને બિરદાવી હતી પરંતુ નિર્દોષો ઉપર જુલ્મની નિંદા કરી આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા નક્કી કર્યાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે ખસેડાયા છે અને ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.