મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલ અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડું હાંફી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા છ કલાકથી એક જ જગ્યાએ સ્થિર બન્યું હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગના મતે આવતીકાલે 15 જૂનના રોજ કચ્છના દરિયા કાંઠે ટકરાનાર વાવાઝોડું બીપરજોય છેલ્લા 6 કલાકમાં 2 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ જઇ રહ્યું છે. જેમ - જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે. ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ શકે છે. જો કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી ધીમે-ધીમે દૂર જઇ રહ્યું છે અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત જખૌ પોર્ટ, નલિયાની નજીક આવી રહ્યું છે. આજની સ્થિતિ અનુસાર આ વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાંથી પસાર થઇને માંડવી અને કરાચીની વચ્ચે જખૌ પોર્ટ પાસે લેન્ડફોલ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે.