તમારા કારણે અમારે રાત ઉજાગરા કરવા પડ્યા, ચીફ ઓફિસરે સેનિટેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજાને ત્રણ પાનાની કારણદર્શક નોટિસ ફટકારી : સાફસફાઈ અને ઢોર હાંકવા માટે હેડ ક્લાર્કને ઉભું રહેવું પડ્યું હોવાનો નોટિસમાં ઉલ્લેખ મોરબી : મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના રોડ શો દરમિયાન મોરબી પાલિકાના સેનીટેશન ઇન્સ્પેકટરે ચીફ ઓફિસર અને રાજ્યમંત્રીની સૂચના મુજબ સાફસફાઈ અને ઢોર નિયંત્રણની કામગીરી ન કરતા આખેઆખી પાલિકા કચેરીને રાત ઉજાગરા કરવા પડતા આ મામલે ચીફ ઓફિસર દ્વારા સેનીટેશન ઈન્સ્પેક્ટરને ત્રણ પાનાની કારણદર્શક નોટિસ ફટકારતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ ગત તા.20ના રોજ મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલના રોડ શો યોજાયેલ હોય તે પૂર્વે તા.18ના રોજ રોડ-શો રૂટ ઉપર રાત્રી સફાઈ, કચરાનો નિકાલ તેમજ રોડ-શો રૂટ ઉપર રસ્તે રઝળતા ઢોર ન આવી ચડે તે માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ મુખ્ય જવાબદારી સેનીટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ એચ.જાડેજાને સોંપવામાં આવી હતી. પરંતુ ઉપરી અધિકારીની સૂચના છતાં પણ નિયત સમય મર્યાદામાં સેનિટેશન ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા દ્વારા કામગીરી કરવામાં ન આવતા ગઈકાલે લાલઘૂમ બનેલા ચીફ ઓફિસર દ્વારા ધગધગતી કારણદર્શક નોટિસ સેનીટેશન ઈન્સ્પેક્ટરને ફટકારવામાં આવી છે. વધુમાં રોડ-શો મામલે મોરબી પાલિકા બોઝ નીચે દબાઈ જાય તેવી જવાબદારી સોંપવામાં આવી હોવાનું પણ આ કારણદર્શક નોટિસમાં જણાઈ રહ્યું છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ-શો માં કોઈ કચાસ ન રહે તે માટે ખુદ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ પાલિકા કાર્મચારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કરવા જોડાયા હતા અને તેમની હાજરીમાં જ સેનીટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ એચ.જાડેજાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા છતાં પણ તેઓએ બેદરકાર રહેવાની સાથે તા. 20ના રોજ એડવાન્સ સિક્યોરિટી લાયઝન સમયે પણ હાજર ન રહેવાની ગુસ્તાખી કરી તમામ કામગીરી થઇ ગઈ હોવાનો બેજવાબદારી ભર્યો પ્રત્યુત્તર ઉપરી અધિકારીને આપ્યો હોવાનું કારણદર્શક નોટિસમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ પેઇજની કારણદર્શક નોટિસમાં ચીફ ઓફિસરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સેનીટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ એચ.જાડેજાની બેદરકારીને કારણે આખેઆખા પાલિકાના સ્ટાફને રાત ઉજાગરા કરવાની સાથે જે.પી.નડ્ડાના રોડ શો રૂટ ઉપર રખડતા ઢોર ન આવી ચડે તે માટે હેડ ક્લાર્ક ને પણ રોડ ઉપર રહેવું પડ્યું હોય જેથી ગુજરાત રાજ્ય સેવક વર્તુણક નિયમભંગ કરવા બદલ સાત દિવસમાં ખુલાસો રજૂ કરવા તાકીદ કરી આ નોટિસની નકલ રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયથી લઈ કલેકટર, પ્રાદેશિક નગરપાલિકા કચેરી અને કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરને પણ જાણ માટે મોકલવામાં આવી છે.