મોરબી : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એ,બીના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આગામી વર્ષે લેવાનાર ગુજકેટ-2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ આગામી તારીખ 29 માર્ચ 2026 ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે.ગુજકેટ 2026ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તે અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા 29 માર્ચ ને રવિવારના રોજ સવારે 10 થી બપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયમાં NCERTના પાઠ્યપુસ્તકોનો અમલ કરેલ છે. જેથી NCERT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ ગુજકેટ-2026ની પરીક્ષા માટે રહેશે. ગુજકેટની પરીક્ષામાં બહુ વિકલ્પીય હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન 40 પ્રશ્નો 40 ગુણ, રસાયણ વિજ્ઞાન 40 પ્રશ્નો 40 ગુણ, જેના માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે જીવવિજ્ઞાન 40 પ્રશ્નો 40 ગુણ 60 મિનિટ અને ગણિત 40 પ્રશ્નો 40 ગુણ 60 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી રહેશે.