શૈક્ષણિક કાર્યના ભોગે સતત ઓનલાઇન કામગીરી કરાવતા શિક્ષણનું સ્તર કથળ્યું હોવાની રાવમોરબી અપડેટ : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવાના સરકારના દાવાઓ વચ્ચે એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો પર શૈક્ષણિક કાર્ય કરતા ઓનલાઇન અને બિનશૈક્ષણિક કામગીરીનું ભારણ એટલી હદે વધી ગયું છે કે શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક અહેવાલ મુજબ, શિક્ષકો પાસે હાલ 27 જેટલી અલગ-અલગ એપ અને પોર્ટલ પર સતત માહિતી અપડેટ કરાવવામાં આવી રહી છે, જેના કારણે બાળકોના શિક્ષણને ગંભીર અસર પહોંચી રહી છે.વર્ષ 1996 થી 2017 સુધી યોજાયેલા તમામ શૈક્ષણિક સર્વેમાં (NAS, PARAKH, ASER વગેરે) ગુજરાતનું પરિણામ ઉત્કૃષ્ટ રહ્યું હતું. પરંતુ 2021 માં આ સ્તર ઘટ્યું અને 2024 માં તે તળિયે પહોંચી ગયું છે. આ પાછળનું મુખ્ય કારણ શિક્ષકોને ભણાવવાને બદલે અઢળક ઓનલાઇન કામગીરી અને BLO સહિતની ડ્યુટીમાં જોતરી દેવાનું માનવામાં આવી રહ્યું છે.શિક્ષકોને કઈ કઈ ઓનલાઇન કામગીરી કરવી પડે છે?* CTS અને UDISE+ પોર્ટલ: શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં નવા અને જૂના વિદ્યાર્થીઓની 56 જાતની માહિતી બંને પોર્ટલ પર અલગ-અલગ અપલોડ કરવી પડે છે.* અપાર આઈ.ડી. અને ડિજિટલ ગુજરાત: વિદ્યાર્થીઓના અપાર આઈ.ડી. બનાવવા અને શિષ્યવૃત્તિ માટેની જટિલ ઓનલાઇન પ્રક્રિયા આખું વર્ષ ચાલતી રહે છે.* પગાર અને ગ્રાન્ટના પોર્ટલ: પગાર માટે SAS અને પ્રેશા એમ બે પોર્ટલ, જ્યારે ગ્રાન્ટના ખર્ચ માટે SNA સ્પર્શ IMF પોર્ટલ. ગ્રાન્ટના માત્ર 500 રૂપિયાના બિલ માટે પણ જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને 18 પેજની પ્રિન્ટ કાઢી જિલ્લા કચેરીના ધક્કા ખાવા પડે છે.* તાલીમ અને માહિતી એપ: I GOT કર્મયોગી, દીક્ષા પોર્ટલ, પ્રશસ્ત એપ વગેરે પર ફરજિયાત ઓનલાઇન તાલીમ અને માહિતી અપલોડ કરવાની કામગીરી.* અન્ય પોર્ટલ: ખેલ મહાકુંભ માટે KMK, ઈકો ક્લબ, SHVR, સ્વિફચેટ (હાજરી અને માર્ક એન્ટ્રી), જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, ટીચર પોર્ટલ અને ગુણોત્સવ માટે SQAAF સહિતના પોર્ટલ પર સેંકડો માહિતી અને ફોટા અપલોડ કરવાના રહે છે.* ચૂંટણી અને વસ્તી ગણતરી: BLO અને HLO તરીકેની કામગીરી પણ ઓનલાઇન એપ મારફતે કરવાની રહે છે. મધ્યાહન ભોજનની રોજિંદી માહિતી પણ MDM એપમાં નાખવી પડે છે.આ તમામ એપ અને પોર્ટલમાં સર્વર ડાઉન હોવાના કારણે શિક્ષકોનો કલાકોનો સમય વેડફાય છે. શિક્ષકો શાળામાં આવીને આ કામગીરી કરતા હોય ત્યારે વાલીઓને એવું લાગે છે કે શિક્ષકો માત્ર મોબાઇલમાં જ વ્યસ્ત છે. આ સતત ડીઝીટલ મથામણને કારણે સરકારી શાળાઓના હોશિયાર વિદ્યાર્થીઓ CET જેવી પરીક્ષા પાસ કરી ખાનગી શાળાઓમાં જતા રહે છે અને સરકારી શાળાઓનું સ્તર કથળી રહ્યું છે.શિક્ષણવિદો અને શિક્ષકોની માંગ છે કે જો પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ખરેખર સુધારવી હોય તો શિક્ષકોને આ ઓનલાઇન કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ અને શાળાઓમાં કોમ્પ્યુટર સહાયકની નિમણૂક કરવી જોઈએ.#GujaratTeachers #PrimaryEducation #OnlineWorkBurden #EducationSystem #GujaratNews #MorbiUpdates #TeacherProblems #DigitalWorkload