મોરબી: ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના મોરબી જિલ્લા ઘટક દ્વારા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12, તેમજ ઉચ્ચતર અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિગત આપતા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના મોરબી જિલ્લા ઘટકના પૂર્વ પ્રમુખ અને કબીર આશ્રમના લઘુમહંત દિલીપભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવાનો હતો. આ સન્માન સમારોહમાં કુલ 35 વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.આ વિદ્યાર્થીઓમાં ખાસ કરીને મોરબી જિલ્લામાંથી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) તરીકે ઉત્તીર્ણ થયેલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે સમાજ માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત, વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક (ગ્રેજ્યુએટ) થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરીને તેમનું સન્માન વધારવામાં આવ્યું હતું.