સિરામીક કંપનીઓને અપાતા ગેસના ભાવમાં વધુ રૂપિયા 11.70નો ભાવ વધારો : બે મહિનામાં ત્રીજો ડામ આપતા સિરામીક ઉદ્યોગની માઠી દશા મોરબી : મોરબી સિરામીક ઉદ્યોગની ધોરી નસ ગણાતા એક માત્ર ઈંધણ એવા નેચરલ ગેસના ભાવમાં દિવાળી પહેલા ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા 11.70 પૈસાના ભાવ વધારા રૂપી બોમ્બ ફોડી નાંખતા સિરામીક ઉદ્યોગકારો સમસમી ઉઠ્યા છે. એક તરફ ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટ ઠપ્પ છે તેવા સમયે જ બે મહિનામાં ઉપરા છાપરી ભાવ વધારાનો ત્રીજો આકરો ડોઝ આપવામાં આવતા હવે સિરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો પડયો છે. મોરબી સિરામીક ઉદ્યોગ કોરોના મહામારીની બીજી લહેર પછી ડીઝલ, કોલસો, ભાડા વધારા અને રો - મટિરિયલના ભાવ વધારો અને સામે પક્ષે ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં વિપરીત સ્થિતિને કારણે પરેશાન છે તેવા સમયે જ છેલ્લા બે મહિનામાં રૂપિયા 5 બાદ 11નો તોતિંગ ભાવ વધારો કરી ગેસ કંપનીઓએ સિરામીક ઉદ્યોગની કમ્મર તોડી નાખી છે. આટલું ઓછું હોય તેવામાં આગામી તા.1 નવેમ્બરથી ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 11.70નો વધુ એક ભાવ વધારો કરવા જાહેરાત કરતા સિરામીક ઉદ્યોગપતિઓના હોશકોશ ઉડી ગયા છે. ગુજરાત ગેસ કંપનીના નવા તોતિંગ ભાવ વધારા અંગે મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં સિરામીક ઉદ્યોગ આવો અસહ્ય ભાવ વધારો સહન કરી શકે તેવી સ્થિતિ નથી. નવા ભાવ વધારાથી સિરામીક ઉદ્યોગ ઉપર મહિને રૂપિયા 250 કરોડનું ભારણ સહન કરવું પડશે જે કોઈ કાળે પોસાય તેમ નથી. વધુમાં અગાઉના બબ્બે વખતના ગેસના ભાવ વધારાને કારણે ઉદ્યોગકારોની વર્કિંગ કેપિટલમાં ઘટાડો આવ્યો છે અને નવા ભાવ વધારાની મુસીબત આવતા હવે બેંકો પાસેથી કેપિટલ મેળવવામાં નવી ગેરંટીની જરૂરત ઉભી થશે જે દરેક નાના મોટા ઉદ્યોગકારો માટે મુશ્કેલરૂપ છે. આ સંજોગોમાં ગેસનો ભાવ વધારો હાલ તુર્ત તો સિરામીક ઉદ્યોગ માટે મરણતોલ ફટકા સમાન હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.