જેની શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી છે તે જ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નિયમનો સરાજાહેર ઉલાળીયો મોરબી : મોરબી નગરપાલિકા કચેરીની સામેના પાર્કિગમાં મગજ ચકરાઈ જાય તેવી અસહ્ય ગંદકી ઘણા સમયથી ખદબદી રહી છે. જેની શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી છે તે જ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નિયમનો સરાજાહેર ઉલાળીયો કરવામાં આવી રહ્યો હોય તેમ નજર સામે રહેલી ગંદકીને હલ કરવાની જરાય તસ્દી લેવાતી નથી. મોરબી નગરપાલિકા કચેરી સામે જ ગાંધીચોકમાં આવેલ પાર્કિગના સ્થળે વર્ષોથી એટલી બધી ગંદકી ખદબદે છે કે ત્યાંથી વાહન લઈને પસાર થાવ તો પણ મગજ ચકરાઈ જાય. તેમજ ત્યાં ઘડીભર ઉભા રહો તો રીતસર બેશુદ્ધ થઈ જાય થવાની પૂરેપૂરી ગેરટી છે. આસપાસના લોકો અહીં કચરાના ગંજ ઠાલવે છે એટલું જ નહીં અમુક પુરુષો અહીં જાહેરમાં લઘુશંકા કરતા હોવાથી ભારે ગંદકી ફેલાય છે ત્યારે સવાલ એ છે કે, નજર સામે આટલી બધી ગંદકી હોવા છતાં નગરપાલિકાને દુર્ગંધ કેમ આવતી નહિ હોય ? કે તંત્ર સંવેદનશીલતા ગુમાવી બેઠું છે કે શું ? ગાંધીચોકના પાર્કિગ સ્થળે ગંદકીના ઢેર હોવાથી લોકોને વાહન પાર્કિગ કરવામાં અગવડતા પડે છે. તેમજ જાહેરમાં ગંદકીથી અહીંથી પસાર થતી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો કે સામેના ભાગે પે એન્ડ યુઝ શોચાલય આવેલું છે. પણ આ શૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં છે. જો આ શૌચાલય ચાલુ કરવામાં આવે તો અહીંયા ગંદકીનો પ્રશ્ન થોડા ઘણા અંશે હલ થાય એમ છે. આથી તંત્ર અહીંયા ગંદકીની સમસ્યા હલ કરવા કોઈ નક્કર પરિણામલક્ષી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..