પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના બેલા (આમરણ) ગામે જૂની અદાવત મામલે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. બાદમાં બન્ને જૂથે એકબીજા ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી હતી. આથી, તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મારમારીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના જૂના બેલા ગામ (આમરણ) ગામે રહેતા આદમ ઉર્ફે ફાંગો આમદભાઇ (ઉં.વ.૩૨) એ આરોપીઓ હૈદર હસનભાઇ કટીયા, રફિક ઉર્ફે ભોલીયો હસનભાઇ કટીયા, હનીફભાઇ મુસાભાઇ કટીયા, હાસમભાઇ ઉર્ફે બાબુભાઇ કટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૩૦ ના રોજ બેલા ગામના પાછળના ભાગે આવેલ મહાદેવના મંદિર પાસે આમરણ નજીક આરોપીઓએ ફરીયાદી સાથે જૂની અદાવત બાબતે ખાર રાખીને ફરીયાદીને ડાબા હાથમાં મધ્ય ભાગે તથા ફરીના ભાઇ કાસમ આમદ જામને માથાના ભાગે તેમજ હાથના ભાગે દાતરડું તથા લાકડીઓ વડે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે હાસમભાઇ ઉર્ફે બાબુભાઇ જીવાભાઇ કટીયા (ઉ.વ.૫૫) એ આરોપીઓ આદમ આમદભાઇ જામ, કાસમ આમદભાઇ જામ, નુરમોહમદ ઉર્ફે કચકડો આમદભાઇ જામ, હેદર આમદભાઇ જામ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી સાથે જૂની અદાવત બાબતે ખાર રાખીને ફરીયાદીને માથાના ભાગે લાકડી વડે સામાન્ય ઇજા કરેલ હોય તેમજ સાહેદોને મુઢંમાર માર્યો હતો. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.