એક તરફ નવરાત્રીના નવલા નોરતામાં ખેલૈયાઓ રાસ-ગરબા ખેલવા માટે તલપાપડ છે ત્યારે બીજી તરફ જગતાતનો તૈયાર થઈ ગયેલ મગફળી, તલી તેમજ કઠોળ જેવા પાક પાણીમાં જ ગરકાવ થઈ જતા ચિંતાતુર બની ગયો છે મોરબી, ટંકારા : મોરબી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એવી વાતો થતી હતી કે હવે આ વર્ષ તો ગયું! ઠેર ઠેર મેઘરાજાને મનાવવા માટે પ્રાર્થનાઓ દુઆ થવા લાગી હતી. આખરે એક મહિનો મોડા મેઘરાજા રિઝ્યા તે એવા રિઝ્યા છે કે હવે લોકો બાપલીયા હવે ખમો કહેતા થઈ ગયા છે. મોરબી જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ મગફળી, તલી, કઠોળની કાપણી કરીને ઓઘા (તલીના છોડને સમુહમાં ભેગો કરી ગોઠવવો) કરી રાખ્યા છે. તો જુવાર (જાર) તો પહેલેથી જ લગભગ ખતમ થઈ આડી પડી ગઈ છે. જ્યારે આગોતરા કપાસમાં આવેલ ફાલ ખરીને ઢગલા થઈ ગયા છે ત્યારે આ વર્ષે પૂરતા પ્રમાણમાં જીંડવા પણ નથી દેખાતા. આમ લગભગ તમામ પાકો નિષ્ફળ જવાના કિનારે ઉભા છે. પરિણામે ખેડૂતોને ભારે વરસાદવાળા વર્ષમાં ભારે નુકસાની સહન કરવાની પરિસ્થિતિ ઊભી થઇ છે. મોરબી, માળીયા , વાંકાનેર અને હળવદ, ટંકારામાં ભાદરવાના ભારે વરસાદથી બજારનું નું શું થશે એ તો સમય બતાવશે પરંતુ ખેડૂતો હવે દિવસે દિવસે ભારે મુસીબતમાં મુકાય રહ્યા છે. કેમ કે આ વરસાદથી ખેડૂતોમાં જન્મેલી આશાઓ પર વરસાદના પાણી, પાણી ફેરવી રહ્યા છે. ખેતરમાં ઉભો તૈયાર થયેલ પાક બરબાદ થઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર મેઘરાજાને મનાવવા જગતનો તાત બે હાથ જોડી વરુણદેવ મનામણા કરી રહ્યો છે. ટંકારા તાલુકાના સજ્જનપર, હડમતિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ઘણી જગ્યાએ મગફળી, તલી, કઠોળ જેવી પાકો ની કાપણી ખેડૂતોએ કરી નાખી છે અને પાક ખેતરમાં હજુ પડ્યો હતો ત્યારે જ આ ભાદરવાનો ભારે વરસાદ ખાબકતા ઉપાડેલો પાક પાણીમાં ડૂબીને ગરકાવ થઈ ગયો છે. જ્યારે વરસાદ બંધ થશે અને ખેડૂત પોતાની વાડીએ જશે ત્યારે તેમને શેઢે માથા ઉપર હાથ દઈને બેસવા સિવાય કોઈ વિકલ્પ નહિ હોય ત્યારે જગતાતની હાલત નહી ઘરના કે નહી ઘાટના જેવી થઈ છે. આવી હાલત સમગ્ર મોરબી જિલ્લાની થઇ ગઈ છે. વરસાદ રહેશે અને ખેડૂતો વાડી-ખેતરોમાં જશે ત્યારે નિર્માણ થયેલી ગંભીર પરિસ્થિતિનો સાચો ચિતાર સામે આવશે. અત્યારથી જ ખેડુતો માટે એવો સંદેશો છે કે આ આવનાર ચિતાર ભારે ગંભીર અને ખૂબ દર્દનાક હશે. ત્યારે ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકારે વહારે આવવું જોઈએ એવી ચર્ચાઓ આજે ઠેકઠેકાણે થઈ રહી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274