સરકારનો નવો પ્રયોગ પ્રાકૃતિક નહીં સાયકલ ખેતી !સરકારી કુમાર છાત્રાલયમાં 1200થી વધુ સાયકલ બિનવારસુ ! નાયબ નિયામકને ખબર જ નથી કે સાયકલ કોણ મૂકી ગયુંમોરબી : વિકાસશીલ ગુજ્રરાત સરકારના રાજમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સાયકલ આપવાની યોજના અમલી છે પરંતુ ચાલુ વર્ષમાં સરકારે આ યોજના અંતર્ગત સાયક્લોની ફાળવણી કરી નથી ત્યારે બીજી તરફ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી 1200 થી વધુ જેટલી સાયકલ ખુલ્લામાં પડી-પડી સડી રહી છે અને એથી પણ ચોંકાવનારી વાત એ છે કે, કુમાર છાત્રાલયના નાયબ નિયામકને આટલી મોટી સંખ્યામાં સાયકલ કોણ મૂકી ગયું તેની જાણ સુધા નથી. બીજી તરફ હાલમાં રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અભિયાનની જેમ સમાજ કલ્યાણ વિભાગે સાયકલ ખેતી શરૂ કરાવી હોય તેમ મોરબીમાં સડી રહેલી 1200 થી વધુ સાયકલો ઉપર હાલમાં ઘેઘુર ઘાસ પણ ઉગી ગયું છે ત્યારે સરકારમાં કેવી લોલમલોલ ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું છે.ગુજરાત સરકાર દ્વારા ઘરેથી શાળામાં અને શાળાથી ઘરે સમયસર પહોંચી શકે અને તેમને આવવા-જવામાં કોઈ તકલીફ ના પડે તે હેતુથી ધોરણ-9ની વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે પરંતુ મોરબીમાં સરસ્વતી સાધના યોજના સાયકલ ખેતી યોજના બની હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી 1200 થી વધુ જેટલી સાયકલ ખુલ્લામાં પડી-પડી સડી રહી છે. હાલમાં આ સાયકલો ઉપર ઘાસ ઉગી ગયું છે અને લીલા ઘાસમાં કેસરી કલરની સાયકલો ઉગી નીકળી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે છાત્રાલયના નાયબ નિયામક ડી.એમ.સવારીયાએ જણાવ્યું હતું કે, અમે સરકાર પાસે વર્ષ 23-24 માટે 195 સાયકલ માંગી છે પરંતુ હજુ સુધી અમને સાયકલ ફાળવવામાં આવી નથી. જયારે છાત્રાલયના પ્રાંગણમાં પડેલી સાયકલો કોણ મૂકી ગયું અને કોને મુકાવી તે અંગે તેમને ખ્યાલ જ ન હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ મોરબી જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવવા અંગે મોરબી સમાજ કલાયણ અધિકારી લાવડીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ ફાળવવા માટે વર્ષ 2023-24 માટે 1900 સાયકલની માંગણી કરવા છતાં હજુ સુધી સાયકલની ફાળવણી કરવામાં આવી નથી, સામાન્ય રીતે શાળા પ્રવેશોત્સવ સમયે જ સાયકલ ફાળવણી કરાતી હોય છે પરંતુ મોરબીના કિસ્સામાં ગત વર્ષે પણ સાયકલ ફાળવણી ન થઇ હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ મોરબીના કુમાર છાત્રાલયમાં હાલમાં લાખો રૂપિયાની કિંમતી 1200થી વધુ સાયકલો ન ધણિયાતી હાલતમાં કાટ ખાઈ રહી છે ત્યારે સરકારના પારદર્શક વહીવટની વાતોનો પરપોટો ફૂટી રહ્યો હોવાનું સામે આવ્યું છે.