મોરબી: માતાના અવસાન બાદ લૌકિકક્રિયા-કર્મમાં થતો ખર્ચ ન કરીને એ રૂપિયા કોવિડ કેર સેન્ટરમાં આપી એક સદગૃહસ્થે સમાજને અલગ રાહ ચીંધ્યો છે. જગદીશભાઈ મગનભાઈ ગોધવીયાના માતા શાંતાબેનનું તારીખ 11ને રવિવારના રોજ અવસાન થયું હતું. પરિવાર પર આવી પડેલી આ વિપદા વચ્ચે પણ પુત્રએ નિર્ણય કર્યો કે લૌકિકપ્રથા પાછળ થતો ખર્ચો બચાવીને કોઈ સદકાર્ય માટે વાપરવામાં આવે. આ વિચારને અમલમાં મૂકી જગદીશભાઈ ગોધવીયાએ સદગત માતા પાછળ કરવાની થતી સામાજિક-ધાર્મિક વિધિમાં થનાર ખર્ચને સદકાર્ય તરફ વાળ્યો. હાલ મોરબીમાં કાર્યરત પાટીદાર કોવિડ કેર સેન્ટરને એ ધનરાશી અર્પણ કરી સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.