ભલ-ભલા એન્જીનીયરો પણ દંગ રહી જાય એવી ઝૂલતા પુલની પ્રતિકૃતિ માત્ર એક ચોપડી ભણેલા દાદાએ પોતાના વ્યવસાયની સમગ્રીઓનો ઉપયોગ કરી કોઠાસૂઝથી બનાવી મોરબી : મોરબીની ઝૂલતાપૂલની દુર્ઘટનાથી ભારે વ્યથિત થયેલા પ્રજાપતિ સદગૃહસ્થએ પોતાની કોઠાસૂઝથી બેનમૂન ઝૂલતાપૂલની પ્રતિકૃતિનું નિર્માણ કરી પૌત્રના લગ્નમાં આ ઝૂલતાપૂલની કૃતિ મૂકીને હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે ભલભલા એન્જીનીયરો પણ દંગ રહી જાય એવી ઝૂલતા પુલની પ્રતિકૃતિ માત્ર એક ચોપડી ભણેલા દાદાએ પોતાના વ્યવસાયની સમગ્રીઓનો ઉપયોગ કરી કોઠાસૂઝથી આબેહૂબ બનાવી હતી. જો કે મોટા મોટા એન્જીનીયર અને આર્કિટેક્ટ પણ આવો પ્રોજકેટનું પ્રેઝન્ટેશન કરવામાં પણ ભારે દિવસો લાગાડી દેતા હોય. આ માત્ર એક ચોપડી સુધી ભણેલા દાદાએ પોતાની કોઠાસૂઝથી થોડા સમયમાં અદલ ઝૂલતાપૂલ બનાવીની આગવી કલા કારીગરીનું પ્રદર્શન કર્યું છે. મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ વરિયા નગરમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ બારેજીયા ઉ.વ.65 નામના વયોવૃદ્ધએ આ બાબતે જણાવ્યું હતું કે તાજેતરના ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાથી આખું મોરબી શહેર ઉડા આઘાતમાં ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં જળ હોનારતથી પણ કમ નથી. જે લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા છે એનો આઘાત પણ જીરવી શકાય એમ નથી. મારી શેરીમાં એક પરિવારના ત્રણ સભ્યો આ ગોઝારી ઘટનાનો ભોગ બનતા એ પરિવારનો માળો વિખાઈ ગયો છે. આથી આ દુર્ઘટનાની યાદગીરી રૂપે અને મારા પૌત્રના લગ્ન પ્રસંગમાં આવા હતભાગીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે અગાઉ રાજવી પરિવારે જેવો પુલ બનાવ્યો હતો એવા મૂળ સ્વરૂપમાં ઝૂલતાપૂલ બનાવવાનું નક્કી કર્યું હતું. હું કોઈ મોટો એન્જીનીયર કે આર્કિટેક્ટ નથી. પણ ઈશ્વરની મારા પર એવી કૃપા છે કે કોઈ વસ્તુ એકવાર ધ્યાનથી જોઈ લવ પછી એના જેવી જ વસ્તુ બનાવી શકું છું. કાનાબાપા ઉમેરે છે કે, મારે વર્ષોથી કેબીનો બનાવી લે વેચ તેમજ ભાંડે આપવાનો ધંધો છે અને ભંગારની જાત જાતની વસ્તુઓમાંથી કેબીનો બનાવતા એટલે કોઠાસૂઝ વર્ષોથી વિકસી ગઈ છે. આ કોઠાસૂઝને મેં ઝૂલતાપૂલ બનાવવા માટે કામે લગાડી હતી. ભંગાર અને કેબિનનો ધંધો તેમજ આવું એક કારખાનું પણ હોવાથી પુલ બનાવવા માટે મોટાભાગની સામગ્રી પોતાના ધંધામાંથી જ મળી ગઈ હતી. જેમાં એલ્યુમિનિયમ, લોખંડ, પીતળ, તાંબુ વગેરે વસ્તુઓ મળી જતા કાપ કૂપ કરી અને બજારમાંથી ઝૂલતાપૂલમાં વપરાયેલો કેબલ વાયર ખરીદીને એમલ્યુમીનિયમનો બંને બાજુએ ટાવર, વચ્ચે કેબલ વાયર, નીચે લાકડા, બંને સાઈડમાં જાળી બનાવીને માત્ર સાત દિવસમાં આ ઝૂલતા પુલની કૃતિ બનાવી છે. આજે મારા પૌત્ર ભોમિકના લગ્ન વરિયા મંદિરની વાડીમા રાખ્યા હતા. ત્યારે તેઓએ આ લગ્ન પ્રસંગે ગેઇટ ઉપર દરેક લોકો પુલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે ત્યાં જ આ પુલ બનાવીને ખુલ્લો મુક્યો હતો અને લગ્ન પ્રસંગમાં બધાયે સાથે મળીને પુલ દુર્ઘટનાના હતભાગીઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.