ભવ્ય શોભાયાત્રા અને યજ્ઞથી વાતાવરણ ગુંજી ઉઠ્યું : મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારા ખાતે આર્ય સમાજ (ત્રણ હાટડી) દ્વારા આયોજિત બે દિવસીય શતાબ્દી મહોત્સવ'નો આજથી ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. આર્ય સમાજ ટંકારાની સ્થાપનાના ૧૦૦ ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ મહોત્સવમાં વૈદિક સંસ્કૃતિ અને આર્ય પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો છે.શહેરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા:મહોત્સવના પ્રથમ દિવસે સવારની શરૂઆત પવિત્ર યજ્ઞ અને ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ટંકારાના મુખ્ય માર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું.આ શોભાયાત્રામાં દેશ-વિદેશમાંથી પધારેલા આર્ય જગતના અનુયાયીઓ, આર્ય વીરો અને આર્ય વિરાંગનાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન અગ્નિહોત્ર રથ અને વીરાંગના દળ નગરજનો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આર્ય સમાજના ગગનભેદી નારાઓથી સમગ્ર ટંકારા નગર ગુંજી ઉઠ્યું હતું.સંતો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ:આ શતાબ્દી મહોત્સવમાં અનેક નામંકિત સંતો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે સ્વામી શાંતાનંદજી, મુનિ સત્યજીતજી, અને આચાર્ય આર્ય નરેશજી જેવા પ્રખર વિદ્વાનો, ગુરૂકુલના આચાર્ય રામદેવ શાસ્ત્રી, આર.એસ.એસ.ના ડો. ભાડેસિયા,નટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિતના વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી આપી હતી.બૌદ્ધિક સત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો:મહોત્સવ દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવન, સત્યાર્થ પ્રકાશનું મહત્વ અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ પર વિદ્વાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા, જ્યારે શ્રોતાઓ માટે 'આત્મનિરીક્ષણ કસોટી' જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું.આવતીકાલના કાર્યક્રમો (૧૩ ફેબ્રુઆરી):● આર્ય સમાજ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો અને પૂર્વ સભ્યોનું વિશેષ સન્માન.● ટંકારા ટ્રસ્ટ અને ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના હોદ્દેદારોની નિશ્રામાં મહિલા સંમેલન.● આર્ય યુવા શક્તિના ઉત્થાન અંગે ચિંતન શિબિર.● અંતમાં મુનિ સત્યજીતજીના આશીર્વાદ અને શાંતિપાઠ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.