મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને 15 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ધાર્મિક આયોજન : નવચંડી યજ્ઞ પણ યોજાયો : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યામોરબી : અમરાપર ખાતે મોમાઈ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 15 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. આ વેળાએ આયોજક વરજાંકભાઈ રાણાભાઈ જીલરીયાએ જણાવ્યું કે અમે 2010માં આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ માઁ કનકેશ્વર દેવીના હસ્તે કર્યો હતો. તેમના દ્વારા ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મહોત્સવને 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે 15મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આ પાટોત્સવ શરદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજ પધાર્યા છે. સાથે નવચંડી યજ્ઞ પણ થઈ રહ્યો છે. શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજે જણાવ્યું કે રાજનીતિ ધર્મ અનુસાર સંચાલિત હોવી જોઈએ. રાજનીતિનો અર્થ જ રાજ્યને નીતિ પૂર્વક સંચાલિત કરવું છે. નેતા એટલે જે સમાજને કલ્યાણના માર્ગે ચલાવે. પહેલગામ હુમલા વિશે તેઓએ જણાવ્યુ કે ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી જે દુઃખદ ઘટના છે. આતંકવાદી કળિયુગના રાક્ષસ છે. તેઓ આપણા દેશનું ઐશ્વર્ય જોઈ શકતા નથી. દેશના નાગરિકોએ એક થઈને સરકાર અને સેનાનું મનોબળ મજબૂત બનાવવું જોઈએ. જેથી દરેક આતંકવાદીને શોધીને સજા આપી શકીએ. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા તેમજ હંસાબેન પારઘી, જયંતીભાઈ રાજકોટીયા, દિલુભા જાડેજા, જયુભા જાડેજા અને દામજી ભગત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.