પ્રદેશ મહામંત્રીના હસ્તે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પુસ્તક લોન્ચ કરાયું: જનસંઘથી ભાજપ સુધીની ગૌરવશાળી સફરનું આલેખનમોરબી: 1 જુલાઈ 2026ના રોજ મોરબી જિલ્લા ભાજપના સંગઠન માળખામાં એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણનો ઉમેરો થયો છે. મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા દ્વારા લિખિત ‘પાથેય’ નામના પ્રેરણાદાયી પુસ્તકનું ભવ્ય વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ગરિમાપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું.જયંતીભાઈ રાજકોડીયા દ્વારા લખાયેલું આ પુસ્તક માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે વૈચારિક ભાથું પૂરું પાડે છે. આ પુસ્તકમાં જનસંઘની સ્થાપનાથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધીની સંઘર્ષગાથા અને પક્ષની વિચારધારાના મૂળ સમાન ‘પંચનિષ્ઠા’ની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા પક્ષના પથદર્શકોના જીવન અને કાર્યોનું આલેખન કરવામાં આવ્યું છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જાગ્રત થયેલી રાષ્ટ્રચેતના અને વિકાસયાત્રાની ગૌરવશાળી વિગતો પણ આ પુસ્તકમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વણી લેવામાં આવી છે.પુસ્તક વિમોચન પ્રસંગે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ લેખક અને જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પુસ્તક આગામી પેઢીના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શિકા સાબિત થશે. પક્ષના પાયાના સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી પહોંચાડવામાં 'પાથેય' મોટું યોગદાન આપશે. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના સફળ પ્રકાશન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #MorbiNews #MorbiBJP #BookLaunch #Pathey #BJP #GujaratBJP #MorbiUpdates #Kamalam