અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરાયું: રોડ સલામતીના શપથ અને વૃક્ષારોપણ સાથે કાર્યક્રમ સંપન્નમાળિયા (મિયાણા) : માળિયા તાલુકાના નાની બરાર મુકામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હાઈસ્કુલ નાની બરાર, કુમાર તાલુકા શાળા અને કન્યા શાળા નાની બરારના સંયુક્ત ઉપક્રમે આ શૈક્ષણિક ઉત્સવ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. એચ. એમ. જેતપરિયા, માળિયા મામલતદાર એચ. સી. પરમાર અને જિલ્લા ભાજપ અગ્રણી સી. વી. લાવડીયા હાજર રહ્યા હતા. આ સાથે જ સ્થાનિક અગ્રણીઓ તરીકે તાલુકા પંચાયત સભ્ય અજીતભાઇ બોરીચા, સરપંચ પ્રભાતભાઈ બકુત્રા અને પંચાયત બોડીના સભ્યોએ વિશેષ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 9 ના કુલ 45 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવીને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.આ વિશેષ પ્રસંગે શાળામાં સૌથી વધુ હાજરી ધરાવતા, પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટમાં સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું અને શાળાના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા.અંતમાં ઉપસ્થિત સૌ લોકોએ સાથે મળીને રોડ સલામતીના શપથ લીધા હતા અને વૃક્ષારોપણના ઉમદા કાર્ય સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સ્થાનિક ગ્રામજનો, ત્રણેય શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.#Morbi #Maliya #NaniBarar #SchoolPraveshotsav2026 #KanyaKelavani #EducationNews #RoadSafety #TreePlantation #MorbiUpdate