100 મીટર અને 200 મીટર દોડ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, અને ચેસની સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધોમોરબી: મોરબી મહાપાલિકા દ્વારા ત્રણ દિવસીય સિટી ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે ભવ્ય સમાપન થયું છે. 27,28 અને 29 ઓગસ્ટના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબીના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સિટી ઓલિમ્પિકમાં કુલ પાંચ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 મીટર અને 200 મીટર દોડ, આ ઉપરાંત, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, અને ચેસ જેવી રમતો પણ સામેલ હતી. ચેસની સ્પર્ધા સિવાય અન્ય તમામ રમતોમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દોડ અને 200 મીટર દોડમાં 142 રજિસ્ટ્રેશન થયા હતા જેમાંથી 96 સ્પર્ધકો હાજર રહ્યા હતા. ચેસમાં 126 રજિસ્ટ્રેશન, જેમાંથી 80 જેટલા સ્પર્ધકો ટેબલ ટેનિસ 67 રજિસ્ટ્રેશન, જેમાંથી 52 સ્પર્ધકો બેડમિન્ટનમાં 126 રજિસ્ટ્રેશનમાંથી 92 તો વોલીબોલમાં 18 ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરાયું હતું જેમાંથી 11 ટીમે ભાગ લીધો હતો. આ સમાપન સમારોહમાં મોરબીના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબીમાં પ્રથમવાર આયોજિત થયેલા આ ઓલિમ્પિક્સની સફળતા બદલ સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં વધુ સંખ્યામાં લોકો સહભાગી બનશે.ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં રમત-ગમત માટેની માળખાગત સુવિધાઓ ઊભી કરવાના પ્રયાસો વિશે જણાવ્યું. તેમણે જાહેરાત કરી કે લગભગ 25 વીઘામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે, જે અંદાજિત ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે. આ ઉપરાંત, લીલાપર પાંજરાપોળ પાસેની 1200 વીઘા જમીનમાંથી 200 વીઘા જમીન રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મોરબીમાં રમત-ગમત અને મનોરંજન માટે સ્થળો વિકસાવવા માટે સરકાર, કોર્પોરેશન અને સંસ્થાઓ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે.આ કાર્યક્રમમાં ભાગ લેનાર એલ.ઈ. કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનલ લાખાણીએ આયોજન બદલ મોરબી મહાપાલિકાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ટેબલ ટેનિસ અને બેડમિન્ટન બંને સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે તેમના સાસુ અને પતિએ તેમને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાસ કરીને ગૃહિણીઓ સહિત તમામ નગરજનોને આવા કાર્યક્રમોમાં ભાગ લઈને શહેરનું નામ રોશન કરવા અપીલ કરી.