યોગ એ ભારતનો અદ્ભુત વારસો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી: સાંસદ પરષોત્તમ રૂપાલામોરબી: માનવજાતને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સશક્તિકરણ પ્રદાન કરતી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન સમાન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની મોરબી મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી દેવ ફાર્મ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોરબી શહેરના હજારો નગરજનો, યુવાનો અને બાળકોએ અનેરા ઉત્સાહ સાથે સામૂહિક યોગાભ્યાસ કરી વાતાવરણને યોગમય બનાવ્યું હતું. આ સામૂહિક યોગાભ્યાસ થકી મોરબીવાસીઓમાં નવી ઉર્જા, શાંતિ અને ધૈર્યનો સંચાર થયો હતો.યોગને દૈનિક દિનચર્યામાં અનિવાર્ય સ્થાન આપવા સાંસદની અપીલઆ અવસરે સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને ઋષિ-મુનિઓનો અદ્ભુત વારસો છે. તન અને મનને સદાય તંદુરસ્ત રાખતી આ દિવ્ય વિદ્યાને આજે આધુનિક વિજ્ઞાને પણ પ્રમાણિત કરી છે અને સમગ્ર વિશ્વએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો છે.તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ પણ, વિરાસત પણ’ ના ઉમદા વિચાર સાથે ભારતની આ સંસ્કૃતિને વૈશ્વિક પ્લેટફોર્મ પર પ્રસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ‘યોગઃ કર્મશુ કૌશલમ્’નો સંદર્ભ આપતા સાંસદ પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કોઈ પણ કાર્યને કુનેહ, નિષ્ઠા અને કુશળતાપૂર્વક સમયસર કરવું એ જ સાચો યોગ છે. તેમણે પ્રત્યેક નાગરિકને તંદુરસ્ત જીવનશૈલી માટે યોગને દૈનિક દિનચર્યામાં સ્થાન આપવા અનુરોધ કર્યો હતો.વહેલી સવારનો યોગાભ્યાસ નવી સકારાત્મક ઉર્જા આપે છે: મેયર ઉત્તમ સુરાણીકાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચન આપતા મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતની સદીઓ જૂની પ્રાચીન પરંપરા છે. વહેલી સવારે કરવામાં આવતો યોગાભ્યાસ માનવ જીવનમાં શાંતિ, ધૈર્ય, સુવિચાર અને નવી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.આ કાર્યક્રમ અંતર્ગત આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને યોગસાધકોએ ઉત્સાહભેર વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ તકે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત (Live) પ્રસારણ નિહાળી વર્ચ્યુઅલી સહભાગીતા નોંધાવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને અધિકારીઓઆ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપરાંત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી કમિશનર સંજય સોની, સ્થાનિક કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. #Morbi #InternationalYogaDay #YogaDay2026 #MorbiUpdate #ParshottamRupala #YogaForHarmony #MorbiNews #NarendraModi