ડૉ.આંબેડકર ભવનથી નીકળી મહારેલી : પરંપરાગત વેશભૂષા, તીર-કામઠાં સાથે 'જય બિરસા'નો નાદ ગુંજી ઉઠ્યોમોરબી અપડેટ (ટંકારા) : દુનિયાભરના આદિવાસી સમાજ માટે 9 ઓગસ્ટનો દિવસ ભારે આનંદ અને ઉત્સાહનો છે. આ નિમિત્તે ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડૉ. આંબેડકર ભવન ખાતેથી એક ભવ્ય મહારેલીનું પ્રસ્થાન થયું હતું. 'જય બિરસા' અને 'જય જોહાર'ના ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગૂંજી ઉઠ્યું હતું.આ શોભાયાત્રામાં આદિવાસી સમાજના લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે આ રેલી ટંકારા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. પરંપરાગત તીર-કમાન સાથે નીકળેલા યુવાનો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. બિરસા મુંડાના નાદ અને ટીમલી સોંગ પર લોકો ઝુમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં હજારોની સંખ્યા હોવા છતાં, ટ્રાફિકને કોઈ જ અડચણ પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ રીતે રેલી ટંકારાના મુખ્ય માર્ગો પર ફરીને આંબેડકર ભવન ખાતે સંપન્ન થઈ હતી.મજૂર આંદોલનને વેગ આપતા અને આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમો છેલ્લા 5 વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બન્યો નથી. હાલમાં આ રેલીને સર્વ સમાજનો ખુબ સહકાર મળ્યો હતો. ટંકારા નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ તાલુકા અને જિલ્લા સદસ્યોએ મહારેલીના આગેવાનોનો સન્માન સત્કાર કર્યો હતો, જેના બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે નાગજીભાઈ ચૌહાણ, દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા અને મહેન્દ્રભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા અને ઈશ્વરભાઈ ડામોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.#MorbiUpdate #Tankara #WorldTribalDay #AdivasiDivas #JayJohar #JayBirsa #TribalPride #TankaraNews #MorbiNews