કલેક્ટર, ટંકારાના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ નવયુગ ગ્રુપના સુપ્રીમો સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત મોરબી : મોરબી જિલ્લામાં આજે 5 સપ્ટેમ્બરના રોજ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નવયુગ સંકુલ, વિરપર ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ શિક્ષકો અને શૈક્ષણિક પ્રદર્શનમાં અગ્રેસર રહેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતતાબેન, અને નવયુગ ગ્રુપના સુપ્રીમો પી. ડી. કાંજિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આપણે બાળકોને માત્ર સૂચનાઓનું પાલન કરતા રોબોટ નહીં, પરંતુ તેમનામાં મૌલિકતા અને સ્વતંત્ર વિચારશક્તિ ખીલે તેવા પ્રયાસો કરવા જોઈએ. તેમણે ભારતના શિક્ષણ પ્રણાલીની પ્રશંસા કરતા કહ્યું કે આપણા વેપારીઓ અને ગૃહિણીઓ પણ મોઢે ગણતરી કરી શકે છે, જે આપણા શિક્ષણનું જ પરિણામ છે. તેમજ જો કોઈ શિક્ષક યોગ્ય કામગીરી ન કરતા જણાય તો DEO અથવા કલેકટરને ખુદ રિપોર્ટ કરવા જણાવ્યું છે. તેમણે શિક્ષકોને બાળકોને હતાશા (ડિપ્રેશન) થી મુક્ત કરીને તેમને વટવૃક્ષ જેવા મજબૂત બનાવવાની હાકલ કરી.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબીના શૈક્ષણિક વિકાસની વાત કરી. તેમણે કહ્યું કે હવે મોરબી વિદ્યાનું હબ બની રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય શહેરોમાં મોકલવાને બદલે લોકો મોરબીને પસંદ કરશે.આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ સોલંકી હેતલબેન કાંતિલાલ (શ્રી મેઘપર (ઝાલા) પ્રા. શાળા, ટંકારા) ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તાલુકા કક્ષાએ સાત શિક્ષકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરાયા, જેમાં સાણંદિયા નિરલબેન (વાંકાનેર), દેત્રોજા સુમિત્રાબેન (મોરબી), આદ્રોજા પ્રજ્ઞેશકુમાર (મોરબી), પીઠડીયા પરેશકુમાર (માળીયા), સોલંકી સુભાષભાઈ (માળીયા), અઘારા કાજલબેન (ટંકારા), અને નારિયાણા શાંતિલાલ (ટંકારા) નો સમાવેશ થાય છે.આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫ની HSC સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાદી ફિઝા મકબુલભાઇ (વાંકાનેર), દ્વિતીય દોશી કથન હિતેશભાઇ (વાંકાનેર), તૃતીય આદ્રોજા અપેક્ષા અમૃતલાલ (ટંકારા) અને ચોથા ક્રમે ચૌધરી નુરુન્નીશા ઇકબાલભાઇ (વાંકાનેર) નું બહુમાન કરાયું હતું. તો HSC વિજ્ઞાન પ્રવાહ ૨૦૨૫માં, જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે કૈલા રચિતકુમાર શક્તિભાઇ (મોરબી), દ્વિતીય ક્રમે રાઠોડ અભિરાજસિંહ પ્રતાપભાઇ (હળવદ) અને તૃતીય ક્રમે કણઝરીયા દિવ્યાંગકુમાર રાજેશભાઇ (હળવદ) ને સન્માનિત કરાયા હતા. તેમજ SSC ૨૦૨૫ની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે પટેલ તીર્થકુમાર વિપુલભાઇ (હળવદ), દ્વિતીય ક્રમે પટેલ શાન સુનિલભાઇ (ટંકારા) અને તૃતીય ક્રમે નૈત્રા રુદ્રકુમાર અરવિંદભાઇ (હળવદ) ને સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિદ્યાર્થીઓમાં માધાપર વાડી કન્યા શાળામાંથી પરમાર વંદના અને પરમાર હેન્સી, ભરતનગર પ્રાથમિક શાળામાંથી પાંચોટીયા દેવ, વજેપરવાડી પ્રાથમિક શાળામાંથી નકુમ આરાધના, ખરેડા તાલુકા શાળામાંથી બરાસરા સારંગ, અમરાપર પ્રાથમિક શાળામાંથી બાદી આલમીન, અને સજનપર પ્રાથમિક શાળામાંથી રાણીપા ગર્વ અને જ્ઞાનસેતુ સ્કોલરશીપની પરીક્ષામાં સારું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ સમ્યક કમલેશભાઈ વાઘેલા (અણિયારી પ્રાયમરી સ્કુલ), દીયા કલ્પેશભાઇ વાજા (થોરાળા પ્રાયમરી સ્કુલ), દર્શ હિતેન્દ્રભાઇ સોનગ્રા (હળવદ પે સેન્ટર સ્કુલ-૦૪), આરવ હિતેશભાઇ બોડા (ક્રિષ્નનગર પ્રાયમરી સ્કુલ), મિશ્વા અરવિંદભાઇ જિવાણી (ખાનપર કુમાર પ્રાયમરી સ્કુલ), વેદ નરેન્દ્રભાઇ પરમાર (હળવદ પે સેન્ટર સ્કુલ-૦૪), આરવી દયાલાલ વડગાસિયા (વાંકડા પ્રાયમરી સ્કુલ), અને હેત ઘનશ્યામભાઇ ચૌહાણ (ટિકર રણ પે સેન્ટર સ્કુલ-૦૧)નું સન્માન કરવામાં આવ્યું હતું.