મોરબી: રાજ્ય સરકારના 'વિકસિત ગુજરાત@2047' કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે, વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ, મોરબી દ્વારા ડી જે પટેલ કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના કલા ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલના કન્વીનર રોહિતભાઈ પટેલના જણાવ્યા અનુસાર, G.C.E.R.T. અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવમાં કુલ ચાર સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 'વિકસિત ગુજરાત @ 2047' વિષય પર ચિત્ર સ્પર્ધા, બાળકાવ્ય સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા (શાસ્ત્રીય અને સુગમ સંગીત) અને સંગીત વાદન સ્પર્ધા (તાલ અને સુર વાદ્ય) નું આયોજન કરાયું હતું. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 40 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.દરેક સ્પર્ધામાં વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 500, રૂ. 300, અને રૂ. 200નો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સંજયભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય નિતાબેન મેરજાએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન SVS કન્વીનર રોહિતભાઈ પટેલ અને સહ કન્વીનર સંજીવભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી.