અનુસૂચિત જાતિ સમાજના પ્રશ્નો અને સ્મશાન બાબતે રજુઆત કરતા ગામ મુકાવી દેવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરાયામોરબી : માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે ગત તા.2 ઓક્ટોબરના રોજ મળેલી ગ્રામસભા બેઠક અધૂરી મૂકી સરપંચ જતા રહ્યા બાદ ગ્રામ પંચાયતમાં રજુઆત માટે ગયેલા ન્યાય સમિતિના મહિલા અધ્યક્ષને ગામના જ ચાર ઈસમોએ જાતિ પ્રત્યે હડધૂત કરી ગામમાં રહેવા નહિ દઈએ કહી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામના વતની અને હાલમાં મોરબી ભક્તિનગર સોસાયટી સામાકાંઠા વિસ્તારમાં રહેતા રશ્મિકાબેન બીપીનભાઈ પરમારે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2 ઓક્ટોબરના રોજ તરઘરી ગ્રામ પંચાયતની ગ્રામ સભા મળી હોય તેઓ હોદાની રુએ ગ્રામસભામાં હાજર રહ્યા હતા.વધુમાં ગ્રામ સભા ચાલુ હોવા છતાં તલાટી અને સરપંચ તેમજ ગામના લોકો અધૂરી ગ્રામસભા મૂકી જતા રહેતા તેઓ ગ્રામપંચાયત કચેરીમાં અનુસૂચિત જાતિના પ્રશ્નો તેમજ સ્મશાન બાબતે લેખિત રજુઆત કરી અધૂરી ગ્રામસભા ન મુકવા કહેતા આરોપી ભાવેશ ખીમજીભાઈ સુવારીયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફુલતરિયા, બળવંત ભીખાભાઇ કુકરવાડિયા અને ઘેલા કચરાભાઈ સુવારીયાએ રશ્મિકાબેનને જાતિ પ્રત્યે હડધૂત કરી ન્યાય સમિતિના અધ્યક્ષમાંથી સસ્પેન્ડ કરાવી દેવા ધમકી આપી ગામ મુકાવી દેશું તેવી ધમકી આપતા બનાવ અંગે રશનિકાબેનની ફરિયાદને આધારે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.