તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ મોરબી : મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને હડતાલનું શસ્ત્ર ઉગામી આજથી મોરબી જિલ્લાના 225 તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. તલાટીઓની સાથે વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ છે. મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના પર પ્રમુખ ભાવેશભાઈ કાસુન્દ્રા અને મહામંત્રી રવિભાઈ હુંબલએ જણાવ્યું હતું કે, આજથી મોરબી જિલ્લાના તમામ તલાટીઓ પડતર પ્રશ્ને હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમણે ઉમેયું હતું કે, વર્ષોથી તલાટી મંત્રીઓના અનેક પ્રશ્નો અણઉકેલ હોય વર્ષ 2018થી તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ તલાટીઓ પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. જેમાં સરકારમાં અનેક વખત રજુઆત અને આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં સરકારે મચક ન આપતા હવે તલાટીઓની ધીરજ ખૂટી છે અને મોરબી જિલ્લાના તલાટીઓ આજથી મુદતની હડતાલ ઉપર ઉતરીને પોતાની માંગ બુલંદ બનાવી છે.આ હડતાલથી મહેસુલી અને વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.