ગ્રાન્ડફિનાલેમાં બોલીવુડ સિંગર હિમેશ રેશમિયા, ક્રિસ્ટોફર બેન્જામિન સહિતની હસ્તીઓ ઉપસ્થિત ટંકારા : મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની અને હાલ વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદ મકવાણાએ તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ ઉપલબ્ધિ હાંસલ કરીને કેવળ ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. ગોવિંદ મકવાણા સ્કાઉટસ અને ગાઈડસની વૈશ્વિક મૂવમેન્ટમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન સ્ટેટ તરફથી “સ્કાઉટ માસ્ટર”ની ભૂમિકામાં સક્રિય રીતે કાર્યરત છે. કોરોના મહામારીના કારણે રાષ્ટ્રીય કક્ષાની “મ્યુજીકલ હંગામા” સ્પર્ધાનું આયોજન વર્ચુઅલ-લાઈવ તકનીકથી વિભિન્ન બ્રોડકાસ્ટ અને સોસીયલ માધ્યમો દ્વારા વૈશ્વિક સ્તરે કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2020માં “ભારત સ્કાઉટસ અને ગાઈડસ”, નેશનલ હેડ ક્વાર્ટર, નવી દિલ્હી દ્વારા આયોજિત સ્કાઉટ, ગાઈડ, રોવર, રેંજર અને યુનિટ લીડર માટેની “મ્યુઝિકલ હંગામા” વર્ચ્યુઅલ નેશનલ ઇન્સ્ટ્રુમેન્ટલ કોમ્પીટીશન-2020 અંતર્ગત રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, રેલવે, નવોદય વિદ્યાલય સમિતિ તથા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા સ્પર્ધા માટે કુલ 1234 નામાંકન પ્રાપ્ત થયા હતા. ઓડીશન રાઉન્ડ, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ સુધીના સોપાનોને સફળતાપૂર્વક સર કરતા રહીને ગોવિંદ મકવાણાએ બંસરી પર પોતાના કળા કૌશલને ઉમદા રીતે રજુ કરીને રાષ્ટ્રીય કક્ષાના અંતિમ ચરણ ગ્રાન્ડફિનાલેમાં સિનિયર કેટેગરી અંતર્ગત પ્રથમ વિજેતા સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગ્રાન્ડફિનાલેમાં બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર હિમેશ રેશમિયા, અભિનેતા રવિ કિશન, મ્યુઝીક ડાયરેક્ટર રવિ ત્રિપાઠી અને ક્રિસ્ટોફર બેન્જામિન જેવી ખ્યાતનામ હસ્તીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા વિદેશના મહાનુભાવો જોડાયા હતા અને તેઓએ પ્રતિભાગીઓ તથા વિજેતાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. નાનપણથી જ અનેક અભાવો અને સંઘર્ષો વચ્ચે માતાપિતા દ્વારા વરસમાં મળેલ લોકસંગીતની પરંપરાને જાળવવા તથા શાસ્ત્રીય ગાયન અને વાદન ક્ષેત્રે ઉજ્વળ ભાવિનું નિર્માણ કરવાના અનન્ય સંકલ્પ સાથે તેઓ પૂર્ણ નિષ્ઠા અને સખત મહેનતથી અગ્રેસર થતા રહ્યા. ગોવિંદ મકવાણાએ પોતાની પ્રારંભિક શાસ્ત્રીય સંગીતની શિક્ષા મોરબીના સ્વ. ઉસ્તાદ ગુલામ મીર સાહેબ પાસેથી પ્રાપ્ત કરી. અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસ- રાજકોટ ખાતેથી કોલેજના ટ્ર્સ્ટી સ્વ. ડૉ. ચંદ્રકાંત હિરાણી, પ્રો. ડૉ. જય સેવક, પ્રો. ડૉ. અશ્વિની કુમાર સિંહ અને પ્રો. ડૉ. ગૌરાંગ ભાવસારના માર્ગદર્શન અને સહયોગથી શાસ્ત્રીય ગાયન પર માસ્ટર પૂર્ણ કર્યું. પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણ, હરિકાન્ત સેવકનું અનેરું સંગીતિક પીઠબળ સાંપડ્યું. બંસરી વાદનની શિક્ષા અને માર્ગદર્શનમાં નામાંકિત બંસરીવાદક પદ્મ વિભૂષણ પં. હરિપ્રસાદ ચૌરસિયા, સ્વ. ડૉ. હસુ યાજ્ઞિક, જે. પી. રાજ્યગુરુ, વિપુલ વોરા અને પાર્થ સરકારનું અનન્ય યોગદાન રહ્યું. ગોવિંદ મકવાણા પોતાના કોલેજકાળમાં સંગીત નાટક અકાદમી, યુનિવર્સિટી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સ્વર-સાધના સમિતિ દ્વારા આયોજિત ભજન, લોકગીત અને બંસરી વાદન પ્રતિયોગિતાઓમા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિજેતા રહ્યા. આકાશવાણી અને દૂરદર્શનના વિવિધ કેન્દ્રના માન્ય કલાકાર તરીકે પોતાની કલા પ્રસ્તુત કરતા રહે છે. કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત લક્ષદ્વીપ ખાતેના પોતાના કાર્યકાળમાં “લક્ષદ્વીપ કલા અકાદમી”ના સદસ્ય અને નિર્ણાયક તરીકેની મહત્વપૂર્ણ જવાબદારીઓનું વહન કર્યું. હાલ તેઓ વડોદરા ખાતે કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત સંગીત શિક્ષક તરીકે કાર્યરત છે. 2019માં સંગીત વિષય સાથે “નેટ” પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી પી.એચડીની તૈયારી કરી રહ્યા છે એ સાથે-સાથે “ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન ઈન આર્ટ એન્ડ એસ્થેટિકસ (DEAA)”, એન.સી.ઈ.આર.ટી. (NCERT), નવી દિલ્હી ખાતે “સંગીત શિક્ષા વિષયક ઈ-સામગ્રી નિર્માણ” યોજનાના તજજ્ઞ તરીકે પણ સમય-સમય પર સેવાઓ આપતા રહે છે તેમજ કલા ઉત્સવો, યુવા ઉત્સવો અને કલા મહાકુંભની વિભિન્ન સ્તરની સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ પોતાની સેવાઓ આપતા રહે છે તથા સંગીત કળા વારસાના જતન તથા સંવર્ધન હેતુ સર સંગીતમાં રૂચી ધરાવતા પણ અભાવગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે સંગીત શિક્ષા પ્રદાન કરી રહ્યા છે.