મુંબઈ : તાજેતરમાં જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપાતા તેઓએ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા અને શપથ ગ્રહણ કર્યા બાદ આચાર્ય દેવવ્રતજીએ ટંકારાના પનોતા પુત્ર દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજ મુંબઈ ખાતે પહોંચી યજ્ઞ કર્યો હતો. ટંકારાનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર મૂલશંકર ત્રિવેદી એટલે કે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજની પરંપરાને આગળ વધારતા, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના વધારાના હવાલાની જવાબદારી સ્વીકારી હતી. રાજભવનમાં સંસ્કૃતમાં શપથગ્રહણ સમારોહ બાદ, આચાર્ય દેવવ્રતજી તેમનાં ધર્મપત્ની દર્શના દેવી સાથે મુંબઈના ઐતિહાસિક કાકડવાડી આર્ય સમાજ ખાતે પહોંચ્યા હતા. તેમણે ત્યાં યજ્ઞમાં ભાગ લઈને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો હતો.