શનાળા ગામ નજીક મેડિકલ કોલેજના સ્ટ્રક્ચર માટે જમીન ફાળવાઈ છે મોરબી : મોરબીમાં અગાઉ રાજ્ય સરકારે મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી હતી. આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી હતી. આથી, કેન્દ્ર સરકારે મોરબીમાં 100 સીટ સાથેની નવી મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી દીધી હોવાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી અને મોરબીમાં ટુક સમયમાં જ મેડિકલ કોલેજ બનાવી દેવાનું પણ જણાવ્યું હતું. જ્યારે મોરબી માટે 100 સીટ સાથેની મેડિકલ કોલેજ શરૂ કરવા અંગે સ્થાનિક તંત્ર પાસે કોઈ ચોક્કસ વિગતો નથી. જેથી મેડિકલ કોલેજ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ વિગત જાણવા મળેલ નથી. મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાનું મોરબીવાસીઓનું સ્વપ્ન સાકાર થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. રાજ્ય સરકારે અગાઉ મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાની મજૂરી આપીને આ અંગેની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરી હતી. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને મોરબીમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ રાજકોટ મેડિકલ કોલેજના ડિનની મોરબી મેડિકલ કોલેજના ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેથી, મોરબી જિલ્લા કલેકટર દ્વારા શનાળા નજીક મેડિકલ કોલેજના સ્ટ્રક્ચર માટે જમીન ફાળવી દેવામાં આવી છે. પણ મેડિકલ કોલેજ માટે બાંધકામ ક્યારે શરૂ થાય તેના પર મીટ મંડાઈ છે. જ્યારે ચાલુ વર્ષની મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પણ મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલ 203 જ બેડની સુવિધાઓ છે. મેડિકલ કોલેજ માટે 350થી 400 બેડની સુવિધાઓ જરૂરી છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં મહત્વના તબીબો અને સ્ટાફની પણ ખાલી જગ્યાઓ છે. આ સંજોગોમાં મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત થયા બાદ કેવી રીતે મેડિકલ કોલેજ અસ્તિત્વમાં આવશે તે જોવાનું રહ્યું. હાલમાં મેડિકલ કોલેજ માટે નેશનલ મેડિકલ કાઉન્સિલમાં અરજી કરવામાં આવશે : ડો. દુધરેજીયા આ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાએ જણાવ્યું છે કે હજુ અમને કોઈ આદેશ મળ્યો નથી કે કોલેજ ક્યારે શરુ કરવાની છે. તેમજ મેડિકલ કોલેજના સ્ટાફ કે સીટ વિષે પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી. હાલ તો નેશનલ મેડિકલ કાઉન્સિલમાં રાજકોટ અને મોરબી તરફથી સંયુક્ત રીતે એપ્લિકેશન કરવામાં માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કોલેજને માત્ર મંજૂરી આપવામાં આવી છે. તેનાથી વધુ પ્રશાસનને કોઈ જાણ નથી. 325 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ બનશે : ધારાસભ્ય મેરજા મોરબીને મેડિકલ કોલેજ આપવાની વર્ષોથી માંગણીઓ થઈ રહી છે. ત્યારે અગાવ રાજ્ય સરકાર બાદ હવે કેન્દ્ર સરકારે પણ મોરબી માટે મેડિકલ કોલેજની મંજુરી આપ્યાની રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે ત્યારે આ જાહેરાતને આવકારતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સરકારે આ ચાલુ વર્ષથી જ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી તેના બદલ હું આભાર વ્યક્ત કરું છું. મોરબીને ટુક સમયમાં જ 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે.