સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરતું પાલિકા તંત્ર સરકારી કચેરીઓ સામે ચૂપ જિલ્લા પંચાયત, બીએસએનએલ, એસપી કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આર એન્ડ બી. અને સ્ટેટ બેન્ક વર્ષોથી વેરો નથી ચૂકવતી મોરબી : મોરબી નગરપાલિકાએ માર્ચ એન્ડીગનો સમય નજીક આવતા 50 હજાર જેટલા આસમીઓને નોટિસ ઇસ્યુ કરી છે. પણ મોટા મોટા આસામીઓની જેમ ખુદ જ નિયમો બનાવતી વિવિધ સરકારી કચેરીઓ જ નિયમોનું પાલન ન કરીને વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતી હોવા છતાં પાલિકાને આવી વેરો ન ભરનાર સરકારી કચેરીઓ સામે કાર્યવાહી કરવામાં કોની શેહ શરમ નડે છે. જિલ્લા પંચાયત, બીએસએનએલ, એસપી કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને સ્ટેટ બેન્કનો વર્ષોથી રૂ.34,97,011નો કરવેરો બાકી છે. ત્યારે આ વખતે નગરપાલિકા આ સરકારી કચેરીઓ સામે કાર્યવાહી કરશે કે દરેક વખતની જેમ કરવેરો બાકી જ રહી જશે ? મોરબી નગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા મોરબીના આસામીઓને વેરો ભરવા માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. મોરબી નગરપાલિકા હેઠળના વિસ્તારોમાં રહેતા અંદાજીત 50 હજાર જેટલા આસામીઓને પાલિકા દ્વારા વેરા બિલ પહોંચતા કરવામાં આવ્યા છે. બિલ મળવા છતાં વેરો ભરવા આવતા નથી અને જેમનો 50 હજારથી વધુ વેરો બાકી છે તેવા 250 જેટલા આસામીઓને પાલિકા દ્વારા આખરી નોટિસ પણ આપવામાં આવી છે. લોકોને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય નાગરિકો જ નહિ પરંતુ મોટા ભાગની સરકારી કચેરીઓના વેરા બાકી છે જેઓ ભરતા નથી. કઈ સરકારી કચેરીનો કેટલો વેરો બાકી છે તે અંગે વાત કરીએ તો જિલ્લા પંચાયત કચેરી 27,10,794, ભારત સંચાર નિગમ લિમિટેડ ( BSNL) 2,23,642 , પોલીસ અધિક્ષક, મોરબી 94,955, મામલતદાર કચેરી 99,689, તાલુકા પંચાયત 1,48,494, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર 1,05,865, આર એન્ડ બી વિભાગ 1,13,572નો કરવેરો વર્ષોથી બાકી છે. મોરબી નગરપાલિકા ને વર્ષ 2022-23માં 29.80 કરોડ ની આવકનો અંદાજ છે તેની સામે અત્યાર સુધીમાં 7.86 કરોડ ની વસુલાત કરવામાં આવી છે. નાના આસામીઓ વેરો ભરવાનું ચૂકી જાય તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવે છે જયારે મોટા વેપારીઓ કે સરકારી વિભાગો દ્વારા વેરો ભરવામાં આવતો નથી તેમ છતાં તેમની સામે કડક વસુલાત કરવામાં આવતી નથી. મોટા ભાગની સરકારી કચેરીઓ દ્વારા માત્ર ચાલુ વર્ષનો નહિ પરંતુ ગત વર્ષો ના પણ વેરા ભરવામાં આવ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ સરકારી કચેરીઓ સામે શું કાર્યવાહી કરે છે.