સમસ્યા અને સમાધાન પુસ્તકમાં દેશની પ્રદુષણ સમસ્યા ઉકેલવા માટે ઇ વ્હીકલ જ શ્રેષ્ઠ ઉકેલ હોવાનું જણાવતા ઓરેવાના જયસુખભાઈ પટેલ મોરબી : વૈશ્વિક વિકાસ દોડમાં પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા વિકટ પણે વકરતી જાય છે. ભારતમાં કોઈપણ શહેરની હવા આજે શ્વાસમાં લેવા યોગ્ય રહી નથી. જેનું મુખ્ય કારણ વાહનો દ્વારા પેદા થતો ધૂમાડો છે. પરંતુ જો પેટ્રોલ, ડિઝલને બદલે સૌર ઊર્જા કે ઈલેકિટ્રક બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રદૂષણનો પ્રશ્ન હળવો થઈ શકે તેમ છે. સમસ્યા અને સમાધાન પુસ્તકમાં ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ કહે છે આ માટે સરકાર પ્રોત્સાહન આપે તો ચપટી વગાડતા જ પ્રદુષણ સમસ્યાનું સમાધાન શક્ય છે. વિશ્વમાં પ્રદુષણ ઘટાડવા એક પછી એક અગત્યના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ચીને 1998થી ઈલેકટ્રિકલ્સ વ્હીકલ્સ – ટુ વ્હીલરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અને વર્તમાન સમયમાં દરરોજ 1 લાખથી વધુ ટુ વ્હીકલ્સનું ઉત્પાદન કરે છે અને વેચે પણ છે. કારણ કે ચાઈનામાં ઈ–વ્હીકલ્સ ઉપર કે તેના પાર્ટસ અને કમ્પોનન્ટ ઉપર નજીવો ટેકસ છે. જયારે ગુજરાત જેવા રાજયમાં પણ ખૂબ જ ઉંચા ટેકસ અને એકસાઈઝ ડયુટી હોવાથી ઈ–વ્હીકલ્સનો વપરાશ જોઈએ તેટલો વધ્યો નથી. ભારતમાં ઓરેવા, યો બાઈક, હીરો, ટીવીએસ જેવી 4થી 5 કંપનીઓ 2004માં આ ફિલ્ડમાં મેન્યુફેકચરીંગ ફેસિલિટી સાથે આવી હતી પરંતુ આ કંપનીઓ તેની પ્રોડકશન કેપેસિટીના 10 ટકા જેટલું પણ ઉત્પાદન કે માર્કેટિંગ કરી શકતી નથી તેમ મોરબી સ્થિત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ તેમના પુસ્તક 'સમસ્યા અને સમાધાન'માં જણાવે છે. ઈલેકટ્રિકલ ટુ-વ્હીલરનું વેચાણ વધારવાના અનેક ઉપાયો જયસુખભાઈએ પોતાના પુસ્તક સમસ્યા અને સમાધાનમાં આપેલા છે, તે પૈકી મહત્વના ઉપાય સુચવતા કહે છે કે ભારતમાં 'ફેમ ઈન્ડિયા' તરફથી ઈલેકટ્રિકલ ટુ વ્હીલર્સ ઉપર 7500 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે, તેની જગ્યાએ 12,500 રૂપિયા કરવામાં આવે તો તેનો ફાયદો વધુ લોકોને મળશે. તેથી, ઈલેકટ્રિકલ ટુ-વ્હીલરનું વેચાણ વધશે. જીએસટીમાં ઈવ્હીકલ્સને 'હાઈ રેટ’ને બદલે 'લોએસ્ટ રેટ'માં રાખવું જોઈએ. કોઈપણ કામ તબક્કાવાર કરવાથી સફળતા મળે છે. કોઈપણ લક્ષ સુધી પહોંચવા માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ. ઈ–વ્હીકલ્સમાં આપણે પહેલાંટુ-વ્હીલરથી શરૂ કરીને પછી ફોર –વ્હીલર બનાવવાનું વિચારવું જોઈએ. પરંતુ આજે ભારતમાં આપણે સીધા ફોર-વ્હીલર ઉપર ફોકસ કરીએ છીએ. જો સીધા ફોર-વ્હીલર પર ધ્યાન આપશું તો ટુ-વ્હીલરની જેમ નિષ્ફળતા મળશે. ચાઈના કે દુનિયાની બહુ ઓછી કંપનીઓ ફોર વ્હીલરમાં સફળ થઈ છે. જેમ કે યુએસએની 'ટેસ્લા' કંપની સફળ થઈ હોવા છતાં તેની કોસ્ટ મોંઘી છે. એ કિંમતમાં ફોર-વ્હીલરને ભારતને સફળતા મળવાની કોઈ સંભાવના નથી. જયારે દુનિયામાં ઈ-વ્હીકલ્સ ફોર-વ્હીલર ઈકોનોમી ડેવલપ થાય ત્યારબાદ જ આપણે ફોર-વ્હીલર અંગે વિચારવું જોઈએ, તેવું જયસુખભાઈ પટેલ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે. ભારતીયો ઈ–વ્હીકલ્સને શા માટે અપનાવતા નથી, તેનું કારણ જણાવતાં જયસુખભાઈ પટેલ લખે છે કે આજે ભારતમાં 25 કિલોમીટરથી વધુ સ્પીડવાળા ઈ–બાઈકને આર.ટી.ઓ. પાસીંગ, રજિસ્ટ્રેશન વગેરે કરાવવું પડે છે. આ કારણે ઈવ્હીકલ્સની કિંમતમાં 10,000 રૂપિયાનો વધારો થાય છે. તેથી લોકો ટુ-વ્હીલર ઈ–વ્હીકલ્સ ખરીદતાં નથી. તેમજ બાયસિકલ ટાઈપના આ પ્રકારના વાહનને 25થી 40 કિલોમીટરની લો સ્પીડના ઈલેકટ્રીકલ્સ વ્હીકલ્સમાં ડેવલપ થતાં તેને ચાઈનામાં લોકોએ બહુ ઝડપથી અપનાવ્યું. ભારતમાં આથી ઉલટું છે. ભારતમાં સાયકલ વાપરવાવાળાને ગરીબ વ્યક્તિ માનવામાં આવે છે. જેના કારણે આજે પણ ભારતીયો ઈ–વ્હીકલ્સને સાઈકલ સાથે સરખાવીને ખરીદી કરતાં નથી કે વાપરતાં નથી એ સત્ય હકીકત છે. આવા અનેક કારણોસર ભારતમાં ઈ–વ્હીકલ્સનો પ્રયોગ આગળ વધતો નથી. જો પુસ્તકમાં દર્શાવેલા મુદ્દાઓને સમજી ઈ–વ્હીકલ્સને માટે લોંગ ટર્મ પોલિસી બનાવવામાં આવે તો ભારતમાં પણ ઈ–વ્હીકલ્સ પ્રયોગ સફળ થઈ શકે. ચાઈનાએ પણ 1998માં જયારે પોપ્યુલેશન, પોલ્યુશન, પેટ્રોલ વપરાશ, વિદેશી મુદ્રા અને અન્ય સમસ્યાઓ સર્જાઈ ત્યારે ઈ–વ્હીકલ્સને વિકસાવવા માટે પંદર વર્ષનો લોંગટર્મ પ્લાન કર્યો હતો. આપણા દેશમાં પણ આવી લોંગ ટર્મ પ્લાનીંગ કરવામાં આવે તો ઈ–વ્હીકલ્સમા જરૂર સફળતા સાંપડે! અને એ કરવું આવશ્યક પણ છે. આ સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલ લિખિત 'સમસ્યા અને સમાધાન' પુસ્તક પણ વાંચી, તેમાંથી પ્રેરણા લઈ ઈ વ્હીકલ્સ ટુ વ્હીકલ્સને પોપ્યુલર કરવામાં ફાળો આપવો જોઈએ. કારણ કે આખરે તો આ પ્રદૂષણને નાથનારી અને પર્યાવરણને ફાયદો કરાવનાર ઉપરાંત મધ્યમવર્ગીય પરિવારને પેટ્રોલ ખર્ચમાંથી મુક્તિ અપાવી આર્થિક ફાયદો કરાવનારી પણ વાત છે!