વિકાસકામોને મંજૂરી આપવા બદલ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયોમોરબી : મોરબી શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા રૂ.56.28 કરોડના ચાર વિકાસ કામોને લીલીઝંડી આપી છે. જેને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી તેમજ પીવાના પાણીની સમસ્યાનો અંત લાવવા પાનેલી તળાવ નવીનીકરણ યોજના મંજુર કરી છે. જ્યાં 25 MLD WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવાનું કામ રૂ.40.47 કરોડના ખર્ચે હાથ ધરાશે. આ સાથે વીશીપરા વિસ્તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો રૂ.6.39 કરોડના ખર્ચે કરવામા આવશે. રણછોડનગર વિસ્તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો રૂ.3.44 કરોડના ખર્ચે કરાશે. લીલાપર રોડ પર ગૌશાળા હેડવર્કસ ખાતે આવેલ 43 MLD WTP ના રીનોવેશનના કામો રૂ.3.01 કરોડના ખર્ચે કરવામા આવશે. આમ કુલ રૂ.56.28 કરોડના ખર્ચે પીવાના પાણીના કામો આગામી દિવસોમાં શરૂ થશે.