20 થી 26 ઓક્ટોબર સુધી દિવાળીની રજા : 8/11 અને 13/12 બે શનિવારે કચેરીઓ ચાલુ રહેશેગાંધીનગર: દિવાળીના તહેવારને અનુસંધાને સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન અને પરિવાર સાથે ઉજવણી કરી શકે તે હેતુથી, સરકારે બે વધારાના દિવસોની રજા જાહેર કરી છે. આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓને સતત સાત દિવસનો લાંબો વેકેશન ગાળો મળશે.સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા અનુસાર, વર્ષ 2025 માટેની જાહેર રજાઓ મુજબ 20/10/2025 ને સોમવારના રોજ દિવાળીની, 22/10/2025ને બુધવારે નૂતન વર્ષની તેમજ 23/10/2025 ને ગુરુવારે ભાઈબીજ 25/10/2025 ને શનિવારે ચોથો શનિવાર તેમજ 26/10/2025 ના રોજ રવિવારની જાહેર રજા છે. આ રજાઓ વચ્ચે તા. 21/10/2025 ને મંગળવાર અને તા. 24/10/2025 ને શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેતી હતી.તેથી સરકારે માનવતાના ધોરણે તા. 21/10/2025 ને મંગળવાર અને તા. 24/10/2025 ને શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રાખવાનો હુકમ કર્યો છે. આ નિર્ણયને કારણે કર્મચારીઓને 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી કુલ સાત દિવસનો લાંબો વિરામ મળી શકશે.જોકે, આ બે વધારાની રજાના બદલામાં સરકારે વૈકલ્પિક દિવસોએ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં તા. 08/11/2025 (બીજો શનિવાર) અને તા. 13/12/2025 (બીજો શનિવાર) આ બંને શનિવારે ગુજરાત સરકારની બધી કચેરીઓ, રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન અને પંચાયત કચેરીઓ પણ ચાલુ રહેશે. આ હુકમ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે.