મંજૂર થયેલા આવાસો માટે 4 લાખ રૂપિયા સહાય ચૂકવાશેમોરબી : સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી)નું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશલ બિલ્ડિંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ 30 ચો.મી. થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી હોય તેવા બેનીફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન અંતર્ગતના ફેઝ 1 થી 6ના કુલ 430 આવાસોના DPR સરકારમાં મંજૂર અર્થે મોરબી મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 307 આવાસોના DPR માટેની સરકારમાંથી મંજૂરી મળી છે.મંજૂરી મળેલા આવાસોના કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામની શરૂઆત કરવામાં આવશે. મંજૂર થયેલ આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકાર દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં રકમ 4 લાખ રૂપિયાની સહાય ફાળવવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.