મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની બોર્ડની પરીક્ષાઓ આગામી 26 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈ રહી છે અને 18 માર્ચ, 2026 ના રોજ પરીક્ષા પૂરી થઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ચિંતિત હોય છે. બોર્ડની પરીક્ષા એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ સમગ્ર પરિવાર માટે એક મહત્વનો પડાવ હોય છે. આ સમયગાળા દરમિયાન યોગ્ય આયોજન, સચોટ માર્ગદર્શન અને માનસિક સ્વસ્થતા જાળવવી અત્યંત જરૂરી છે.બોર્ડની પરીક્ષાને ઘણીવાર 'જીવનની મોટી પરીક્ષા' તરીકે જોવામાં આવે છે, જે વાસ્તવમાં માત્ર એક શૈક્ષણિક તબક્કો છે. આ સમયે વિદ્યાર્થી પર સારા પરિણામનું દબાણ હોય છે અને વાલીઓ બાળકના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. જો યોગ્ય અભિગમ અપનાવવામાં આવે, તો આ સમયને તણાવમુક્ત અને સફળ બનાવી શકાય છે.વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચનાઓઅભ્યાસનું આયોજન :• ટાઈમ ટેબલ: હવે નવું વાંચવાને બદલે જે આવડે છે તેનું રિવિઝન કરવા માટે સમય ફાળવો. અઘરા વિષયોને સવારના સમયે વાંચો કેમકે સવારે મન તાજગી અનુભવતું હોય છે.• લખીને પ્રેક્ટિસ: માત્ર વાંચવાને બદલે પોઈન્ટ્સ લખવાની આદત રાખો. આનાથી યાદશક્તિ વધે છે અને પરીક્ષામાં લખવાની ઝડપ પણ સુધરે છે.• જુના પેપર્સ: છેલ્લા ૫ વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવાથી પેપર સ્ટાઈલ અને સમય મર્યાદાનો ખ્યાલ આવશે.સ્વાસ્થ્ય અને આહાર:• પૂરતી ઊંઘ: પરીક્ષાના દિવસોમાં ઓછામાં ઓછી ૬ થી ૭ કલાકની ઊંઘ અનિવાર્ય છે. ઊંઘ પૂરી નહીં થાય તો પરીક્ષાખંડમાં એકાગ્રતા ઘટશે.• હળવો ખોરાક: બહારનું જંક ફૂડ ટાળો. ઘરનો તાજો અને પૌષ્ટિક ખોરાક લો. વધુ પડતી ચા કે કોફી પીવાને બદલે પાણી અને ફળોનો રસ લો.પરીક્ષાના દિવસે:• સામગ્રીની ચકાસણી: હોલ ટિકિટ (રિસીપ્ટ), પેન, પેન્સિલ, ફૂટપટ્ટી અને અન્ય જરૂરી સાધનો આગલી રાત્રે જ તૈયાર કરી લો.• સમય પાલન: પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં ૩૦ મિનિટ વહેલા પહોંચો. છેલ્લી ઘડીની દોડધામ ગભરાટ પેદા કરી શકે છે.• પ્રશ્નપત્રનું વાંચન: પેપર હાથમાં આવે ત્યારે પેલી ૧૫ મિનિટ શાંતિથી પ્રશ્નો વાંચો. જે પ્રશ્નો પાકા આવડતા હોય તેને પહેલા લખવાની શરૂઆત કરો.વાલીઓ માટેની સૂચનાઓવાલીઓની ભૂમિકા આ સમયે એક 'સપોર્ટ સિસ્ટમ' તરીકેની હોવી જોઈએ, નહીં કે 'સુપરવાઈઝર' તરીકેની.ઘરનું વાતાવરણ:• શાંતિ જાળવો: ઘરમાં ટીવી કે ઘોંઘાટ ઓછો કરો. મહેમાનોને બોલાવવાનું ટાળો જેથી બાળક એકાગ્રતાથી ભણી શકે.• દબાણ ન કરો: 'તારે આટલા ટકા લાવવા જ પડશે' - તેવા વિધાનોથી બાળક પર માનસિક બોજ વધે છે. તેમને પ્રોત્સાહિત કરો કે તેઓ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રયત્ન કરે.સરખામણી ટાળો:• દરેક બાળકની ક્ષમતા અલગ હોય છે. તમારા બાળકની સરખામણી પડોશી કે સંબંધીના બાળકો સાથે ક્યારેય ન કરો. આનાથી બાળકનો આત્મવિશ્વાસ ડગી જાય છે.ભાવનાત્મક ટેકો :• પરીક્ષાના દિવસોમાં બાળક ગભરાયેલું હોય ત્યારે તેની સાથે વાત કરો. તેને વિશ્વાસ અપાવો કે પરિણામ ગમે તે આવે, તમે તેની સાથે છો.• પરીક્ષા આપીને આવ્યા પછી તરત જ 'કેટલા માર્કસ આવશે' તેની પૂછપરછ કરવાને બદલે તેને આરામ કરવા દો અને આગામી પેપર માટે તૈયાર કરો.પરીક્ષાખંડમાં ધ્યાનમાં રાખવાની ટેકનિકલ બાબતો• ઉત્તરવહીની વિગતો: બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર અને પોતાની વિગતો (બેઠક નંબર વગેરે) ભરવામાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.• અક્ષરો અને રજૂઆત: લખાણ સુવાચ્ય રાખો. મહત્વના મુદ્દાઓ નીચે અન્ડરલાઈન કરો. ગણિત કે વિજ્ઞાનમાં આકૃતિઓ પેન્સિલથી દોરો.• નવો પ્રશ્ન નવા પાને: હંમેશા નવા પ્રશ્નની શરૂઆત નવા પાનાથી કરો, જેથી પેપર ચેક કરનારને સરળતા રહે.સોશિયલ મીડિયાથી દૂરીપરીક્ષાના આ ગાળામાં સ્માર્ટફોન, ઈન્સ્ટાગ્રામ કે ગેમ્સથી દૂર રહેવું હિતાવહ છે. સોશિયલ મીડિયા મનને ભટકાવે છે અને કિંમતી સમયનો બગાડ કરે છે. વાલીઓએ પણ આ સમયે મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને બાળકને સાથ આપવો જોઈએ.નિષ્કર્ષ:બોર્ડની પરીક્ષા એ જીવનનો અંત નથી, પણ એક શરૂઆત છે. સકારાત્મક વિચારસરણી, પદ્ધતિસરની મહેનત અને પરિવારનો સાથ મળે તો કોઈપણ વિદ્યાર્થી આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શકે છે. સાથે જ મોરબી અપડેટ તરફથી તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છાઓ..