ચોરી કરનાર એક જ એપાર્ટમેન્ટમા રહેતો પૂર્વ કર્મચારી નીકળ્યો,પોલીસે 4 તોલા જેટલું સોનુ રિકવર પણ કર્યું : કોર્ટે આરોપીની રિમાન્ડની અરજી નામંજુર કરી મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નિધિવન એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારીના ફ્લેટમાંથી કબાટમાં રાખેલા સોનાના ૨૨ તોલાના દાગીના તેમજ રોકડા ૩૦ હજાર મળી કુલ અંદાજે રૂ. ૪.૩૦ લાખના મુદ્દામાલની ચોરીના કેસમાં એ ડિવિઝન પોલીસે આ જ ફ્લેટમાં રહેતા અને વેપારીના પૂર્વ કર્મચારીને પકડી તેની પાસેથી પોલીસે 14 તોલા જેટલું સોનુ રિકવર પણ કર્યું છે. છે. આ સાથે પોલીસે શખ્સને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજુર કર્યા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નિધિવન એપાર્ટમેન્ટમાં રહેતા સોની વેપારી કૌશિકભાઈ હરિભાઈ પાટડિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તા. ૨૯/૪/૨૦૧૯ના રોજ સવારે દશ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યા સુધી ઘર બંધ કરીને તેના પરિવારના સભ્યોની સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે તેના બંધ પડેલા મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવીને કબાટમાંથી ૪૫ ગ્રામની સોનાની માળા, ૧૮ ગ્રામનો સોનાનો પેન્ડલ સેટ, ૨૦ ગ્રામની સોનાની રંગીન મોતીઓની માળા, ૨૨ ગ્રામનો સોનાનો ચેન, ૧૦ ગ્રામની સોનાની માળા, ૭ ગ્રામના બે સોનાના પેન્ડલ, ૧૫ ગ્રામની સાત સોનાની વીટીઓ, ૫ ગ્રામની સોનાની બુટી, ૭ ગ્રામની સોનાની ચાર બાલી, ૧૦ ગ્રામ સોનાની જુમ્મર બુટી, જે કુલ મળીને આશરે ૨૦-૨૨ તોલાના સોનાના દાગીના જેની અંદાજીત કીમત રૂા.૪.૨૦ લાખ અને રોકડ રૂપિયા ૩૦ હજાર મળીને કુલ ૪.૩૦ લાખના મુદામાલની ચોરી થયેલ છે. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આ કામના આરોપી હાર્દિક હર્ષદભાઈ પારેખ (ઉ.વ.૩૨) રહે. કુબેરનગર નિધિવન એપાર્ટમેન્ટ નવલખી રોડ મોરબીને પકડી પાડ્યો છે.પકડાયેલ આ આરોપી પાસેથી પોલીસે 14 તોલા જેટલું સોનુ રિકવર પણ કર્યું છે.આરોપી હાર્દિક અગાઉ ભોગ સોની વેપારીને ત્યાં કામ કરતો હતો. આજ રોજ પોલીસે આ આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.